રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર એનેક્સ ગોલ્ડ નામની સોનીની દુકાનમાંથી સુરેન્દ્રનગરના ચીટરે સોનાનો નેકલેસ અને સોનાના બે બિસ્કીટની ખરીદી કર્યા બાદ નાણા કે દાગીના પરત નહીં આપી સોની વેપારી સાથે ૩૧,૭૭,લાખની છેતરપીંડી આચરી હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોઠારિયા ગામે રહેતા તેમજ પેલેસ રોડ ઉપર ટંકારાવાળા કોમ્પલેક્ષમાં એન.એક્સ ગોલ્ડ નામે સોનાની દુકાન ધરાવતા કિશનભાઈ કનુભાઈ કાકડિયાને તેમના સુરત રહેતા મિત્ર ડેનીશ ગોધાણીએ ફોન કરી સુરેન્દ્રનગરથી તેનો ખાસ મિત્ર હર્ષ દિપકભાઈ સિનોજીયા રાજકોટ સોનાના દાગીના લેવા આવશે તેવુ કહેતા કિશનભાઈ કાકડિયાએ દુકાને મોકલવાનું મિત્રને કહ્યું હતું.
આ અંગે વાતચીત થયા બાદ વેપારીની દુકાને આવ્યો હતો અને હર્ષે રૂપિયા ૮,૮૭,૬૩૩ની કિંમતનો ૬૬.૦૭૦ ગ્રામનો નેક્લેશ અને રૂા. ૬,૭૮,૭૫૫ની કિંમતનો ૫૧.૧૫૦ ગ્રામની કિંમતનો બીજો નેક્લેશ લીધો હતો. અને બન્ને માંથી જે ગમશે તે રાખશે અને બીજો પરત કરી આપશે. તેવુ કહી નેક્લેશ લઈ ગયો હતો. અને એક નેક્લેશના રૂપિયા ૮,૮૭,૬૩૩ સોનીવેપારીના ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી વેપારીનો વિશ્વાસ કેળવી લીધો હતો.
ત્યાર બાદ ફરી હર્ષ સિનોજીયા દુકાને આવ્યો હતો અને ફાઈન સોનાની જરૂર છે તેવું કહી રૂપિયા ૧૨,૦,૭૨૦૦ની કિંમતનું ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ લઈ ગયો હતો. અને બાદમાં બીજા દિવસે ફરી દુકાને આવી રૂા.૧૨,૧૯,૨૦૦નું ૧૦૦ ગ્રામનું સોનાનું બીજું બિસ્કીટ લઈ ગયો હતો અને સાંજ સુધીમાં રૂા. ૨૫ લાખ આપી દેવાનું કહ્યું હતું.
પરંતુ હર્ષ સિનોજિયા ત્યારબાદ આવ્યો ન હતો અને રૂપિયા પણ મોકલ્યા ન હતા જેથી સોનાનો નેક્લેસ અને સોનાના બે બિસ્કીટના રૂપિયા કે, ઘરેણા પરત નહીં આપી ૩૧.૭૭ લાખની છેતરપીંડી આચરી હોવાની વેપારી કિશનભાઈ કાકડિયાએ એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.