ઇંગ્લેન્ડના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે T20 ક્રિકેટમાં એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. બટલર T20 ક્રિકેટના ઇતિહાસમાં 15000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકા સામે સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી T20I મેચ દરમિયાન તેણે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 5 મી ઓવરમાં ઇશાન મલિંગાના બોલ પર 1 રન લઈને આ અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી હતી. આ સાથે જ તેણે વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડના 14999 રનના રેકોર્ડને તોડીને T20I માં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
જોસ બટલરે અત્યાર સુધી રમેલી 528 T20 મેચોની 497 ઇનિંગ્સમાં 35.46 ની સરેરાશ અને 147.46 ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 15000 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 107 અડધી સદી ફટકારી છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના ખેલાડીઓની યાદીમાં હવે 15000 રન સાથે જોસ બટલર પ્રથમ સ્થાને, 14999 રન સાથે કિરોન પોલાર્ડ બીજા સ્થાને, 14581 રન સાથે એલેક્સ હેલ્સ ત્રીજા સ્થાને, 14562 રન સાથે ક્રિસ ગેલ ચોથા સ્થાને અને 14284 રન સાથે ડેવિડ વોર્નર પાંચમા સ્થાને છે.
બટલરે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંગ્લેન્ડ ઉપરાંત લંકાશાયર, મેનચેસ્ટર ઓરિજિન્સ, ગુજરાત ટાઇટન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, સિડની થંડર અને ડરબન સુપર જાયન્ટ્સ જેવી વિશ્વભરની અનેક ટીમો તરફથી રમતા આ વિશાળ સ્કોર બનાવ્યો છે.
મેચની વાત કરીએ તો, સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 6 વિકેટે હરાવીને 3 મેચોની ટી20 શ્રેણીમાં 2-0 ની અજય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ઇંગ્લેન્ડે માત્ર 12.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 146 રન બનાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ વિજય સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકા સામે ઇંગ્લેન્ડનો સતત વિજયનો સિલસિલો 14 મેચો સુધી પહોંચી ગયો છે.