રાજકોટ શહેરમાં રહેતા એક પત્રકારે જોડીયાની બી.આર.સી કોઓર્ડીનેટર શાખામાં શિક્ષણ પ્રવૃત્તિમાં બાળકોને મળતી ગ્રાન્ટ અંગેની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ધ્રોલના કર્મચારીએ યુવકને ફોન કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડપર રાણી ટાવર પાછળ વાઈટ હાઉસ સાઈબાબા પાર્કમાં રહેતા ટોપ 9 ન્યૂઝના પત્રકાર સુરેશચંદ્ર રાવલ ઉં.વ.57એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધ્રોલના આશીફ અલ્લારખા જામીનું નામ આપ્યું હતું.
ફરિયાદી પુનિતભાઇએ જણાવ્યું હતું કે, તેમણે ૩ એપ્રિલના બીઆરસી કોર્ડીનેટર જોડીયાને સંબોધીને આરટીઆઈ કરી હતી અને તેમાં શિક્ષણ પ્રવૃતિમાં બાળકોને મળતી ગ્રાન્ટ અંગેની માહિતી માગી હતી, જેની સામે બીઆરસી કોર્ડીનેટરે અપુરતી માહિતી આપી હોવાથી પુનિતભાઈએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે અરજી કરી હતી.
ગત તા.29 સપ્ટેમ્બરના સાંજે પાંચેક વાગ્યે પુનિતભાઇએ બીઆરસી કોર્ડીનેટર આશીફ અલ્લારખાને ફોન કરીને અપુરતી માહિતી મળ્યાની વાત કરી હતી, ત્યારબાદ તે રાત્રીના આશીફ અલ્લારખાએ ફોન કરીને પુનિતભાઇને કહ્યું હતું કે, 'હું તારાથી ડરતો નથી, અને જોડીયા તાલુકામાં તને જામી નામનો એક જ વ્યક્તિ મળ્યો' તેમ કહી ગાળો ભાંડી હતી અને તું મને ભેગો થા એટલે તને મારી જ નાખવોછે તેમ કહી ધમકી આપી હતી. જેથી યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ એ.એસ.આઇ વાય.ડી. ભગત ચલાવી રહ્યા છે