BREAKING NEWS

31 જુલાઈ ગઈ...હવે તમારા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે? જાણો સરકારી નિયમો અને વિગતવાર માર્ગદર્શિકા

  • August 03, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની ૩૧ જુલાઈ ની સામાન્ય સમયમર્યાદા વીતી ચૂકી છે, પરંતુ જો તમે હજુ સુધી રિટર્ન ફાઇલ નથી કર્યું તો ગભરાવાની જરૂર નથી. તમારા માટે આખરી તારીખ પૂરી થઈ ગઈ છે કે કેમ તે તમારી આવકની શ્રેણી અને ટેક્સ ઓડિટ પર નિર્ભર કરે છે.


નાણાકીય અધિનિયમ ૨૦૨૬ હેઠળ આકારણી વર્ષ ૨૦૨૬-૨૭ (Assessment Year 2026-27) માટે અલગ-અલગ કરદાતાઓ માટે અલગ-અલગ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. હવે કરદાતાઓની શ્રેણી અનુસાર ૩૧ ઓગસ્ટ, ૩૧ ઓક્ટોબર અથવા ૩૦ નવેમ્બર સુધી આઇટીઆર ફાઇલ કરવાનો સમય મળી શકે છે. આ નિયમો અને તારીખો અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


આવકવેરા વિભાગના નિયમો અનુસાર દરેક કરદાતા માટે એક જ સમયમર્યાદા લાગુ પડતી નથી. તમારી આવકના સ્ત્રોત અને ટેક્સ ઓડિટની જરૂરિયાત મુજબ નવી તારીખો નક્કી કરવામાં આવી છે.


૩૧ જુલાઈની ડેડલાઇન કોના માટે હતી?
૩૧ જુલાઈ ૨૦૨૬ ની છેલ્લી તારીખ માત્ર એવા વ્યક્તિગત કરદાતાઓ, હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) અને અન્ય કરદાતાઓ માટે હતી કે જેમના ખાતાઓનું ટેક્સ ઓડિટ કરાવવું જરૂરી નથી. આમાં મુખ્યત્વે પગારદાર કર્મચારીઓ (Salaried Class), પેન્શનરો અને સામાન્ય નાના કરદાતાઓનો સમાવેશ થાય છે.


જો આ શ્રેણીના કોઈ કરદાતાથી સમયસર રિટર્ન ફાઇલ કરવાનું રહી ગયું હોય, તો તેઓ હજુ પણ 'વિલંબિત રિટર્ન' (Belated Return) ફાઇલ કરી શકે છે, પરંતુ તેના માટે મોડી ફી (Late Fees) અને વ્યાજ ચૂકવવું પડી શકે છે.


૩૧ ઓગસ્ટ, ૩૧ ઓક્ટોબર અને ૩૦ નવેમ્બર કોના માટે છે?
નાણાકીય અધિનિયમ ૨૦૨૬ હેઠળ અલગ-અલગ કરદાતાઓ માટે નવી મર્યાદાઓ નક્કી કરાઈ છે:


૩૧ ઓગસ્ટ ૨૦૨૬: 
બિઝનેસ કે પ્રોફેશનથી આવક મેળવતા એવા કરદાતાઓ કે જેમના ખાતાઓનું ટેક્સ ઓડિટ જરૂરી નથી. આમાં કલમ 44AD, 44ADA અને 44AE હેઠળ પ્રિઝમ્પટિવ ટેક્સેશન યોજના પસંદ કરનારા નાના વેપારીઓ અને પ્રોફેસનલ્સ (જેઓ ITR-3 અથવા ITR-4 ફાઇલ કરે છે) નો સમાવેશ થાય છે.


૩૧ ઓક્ટોબર ૨૦૨૬: 
જે કરદાતાઓ, કંપનીઓ કે પેઢીઓના ખાતાઓનું ટેક્સ ઓડિટ (Tax Audit) કરાવવું કાયદાકીય રીતે અનિવાર્ય છે.


૩૦ નવેમ્બર ૨૦૨૬: 
ટ્રાન્સફર પ્રાઇસિંગ (Transfer Pricing) નિયમો હેઠળ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે રિપોર્ટ સબમિટ કરવાનો હોય તેવા કરદાતાઓ માટે.


જો નિયત તારીખ પણ ચૂકી જવાય તો શું થશે?
જો કોઈ કરદાતા પોતાની નિર્ધારિત સમયમર્યાદા સુધી રિટર્ન ફાઇલ ન કરી શકે, તો તેઓ આવકવેરા કાયદાની કલમ 139(4) હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં વિલંબિત રિટર્ન (Belated Return) ભરી શકે છે. જોકે, મોડું રિટર્ન ભરવાથી લેટ ફી લાગશે, બાકી ટેક્સ પર વ્યાજ આપવું પડશે અને ચાલુ વર્ષના કેટલાક નુકસાન (Losses) ને આગામી વર્ષોમાં કેરી-ફોરવર્ડ કરવાની સુવિધા મળશે નહીં.


આ ઉપરાંત નાણાકીય અધિનિયમ ૨૦૨૬ હેઠળ સુધારેલું રિટર્ન (Revised Return) ફાઇલ કરવાની મર્યાદા વધારીને ૩૧ માર્ચ ૨૦૨૭ કરવામાં આવી છે. જ્યારે અપડેટેડ રિટર્ન (ITR-U) ફાઇલ કરવાની સમયમર્યાદા ૨૪ મહિનાથી વધારીને ૪૮ મહિના કરવામાં આવી છે, જે ચોક્કસ શરતો અને વધારાના કરની ચુકવણી સાથે લાગુ થશે.


ITR ફાઇલ કરતા પહેલાં આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો


૧. આવકનું મિલાન: રિટર્ન સબમિટ કરતાં પહેલાં તમારી આવકની વિગતો ફોર્મ 26AS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી (TIS) સાથે અચૂક સરખાવી લો.


​​​​​​​૨. સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ: જો કોઈ ટેક્સ બાકી નીકળતો હોય તો રિટર્ન ભરતા પહેલાં જ તેની ચુકવણી કરી દો.

૩. ઈ-વેરિફિકેશન: આઈટીઆર સબમિટ કર્યા બાદ ૩૦ દિવસની અંદર તેનું ઈ-વેરિફિકેશન (e-Verification) પૂર્ણ કરવું ફરજિયાત છે. ઈ-વેરિફિકેશન વગર આઈટીઆર અમાન્ય ગણાય છે અને રિફંડ અટવાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application