કર્ણાટક સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે મોંઘવારી વચ્ચે એક મોટો આંચકો આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 8 રૂપિયાનો વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. દૂધના આ નવા વધારેલા ભાવ આગામી 1 લી નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં અમલમાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં કરવામાં આવેલા આ વધારાથી પશુપાલન અને દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા લાખો ખેડૂત પરિવારોને સીધો આર્થિક લાભ થશે. ખેડૂતો અને પશુપાલકોની લાંબા સમયથી ચાલી આવતી માગણી અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટ કર્યું છે.
જોકે, તહેવારોની સમયે જ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 8 રૂપિયા જેવા મોટા વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોના ઘરના બજેટ પર સીધી પ્રતિકૂળ અસર પડશે. 1 લી નવેમ્બરથી લાગુ થનારા આ નવા ભાવ બાદ ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારા અંગે મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી અને સહકાર મંત્રી સાથે મુલાકાત કરીને પ્રતિ લિટર ઓછામાં ઓછા 10 રૂપિયાનો વધારો કરવાની રજૂઆત કરી હતી. જોકે, ઉપભોક્તાઓ પર પડનારા બોજને ધ્યાનમાં રાખીને સરકાર માટે એકસાથે આટલો મોટો વધારો કરવો શક્ય નહોતો. કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ તમામ સભ્યોની સંમતિથી પ્રતિ લિટર 8 રૂપિયા વધારવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખેડૂતોને હવે પ્રતિ લિટર કેટલા રૂપિયા મળશે? રાજ્યમાં પશુપાલક ખેડૂતોને અત્યાર સુધી દૂધના પ્રતિ લિટર આશરે 35 રૂપિયા મળતા હતા. હવે 7 રૂપિયાના વધારા બાદ તેમને પ્રતિ લિટરે 42 રૂપિયા મળશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતી પ્રતિ લિટર 5 રૂપિયાની નાણાકીય સહાય (સબસિડી) પણ યથાવત્ ચાલુ રાખવામાં આવશે.