પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન માટે ચમકાવેલો કસ્તુરબા રોડ હવે એક જ દિવસમાં બિસ્માર બની ગયો છે.
પોરબંદરના માચ્છીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે,પોરબંદર શહેરના કસ્તુરબા ગાંધી રોડ પર હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જ્યાં એક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન માટે તાત્કાલિક રોડ મરામત કરવામાં આવ્યો હતો, ત્યાં બીજી તરફ તે જ રોડ વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે.મ.ન.પા.ના તંત્રે ખાડાઓને તાત્કાલિક પુરાવવાના પ્રયાસમાં માત્ર દેખાવ કર્યો હતો, પરંતુ હાલ આ કાંકરી ઉડી રહી છે અને રસ્તા પર વાહનો સ્લીપ થાય છે.
મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ નક્કી હતો.આ પ્રસંગે શહેરને ચમકદાર દેખાડવા મ.ન.પા. દ્વારા હડબડીમાં સફાઈ અને રોડ મરામત જેવા કામો હાથ ધરાયા.ખાસ કરીને કસ્તુરબા ગાંધી રોડ, જ્યાં કાર્યક્રમો અને વાહનવ્યવહાર વધુ રહેવાનો હતો,ત્યાં ખાડાઓ ભરવામાં આવ્યા,પરંતુ આ કામગીરીમાં ગુણવત્તાનો જરા પણ વિચાર કરવામાં આવ્યો નહી.ટકાઉપણાની જગ્યાએ માત્ર આવતીકાલ સુધી દેખાય નહી, એ હેતુથી કાંકરી નાખીને પુરી દેવામાં આવ્યા હતા.પરિણામે મુખ્યમંત્રીનું આગમન પુરુ થતા જ રોડની હકીકત સામે આવી ગઈ,હાલ રોડની સપાટી પરથી કાંકરી ઉડી રહી છે. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે આ પરિસ્થિતિ જીવલેણ બની રહી છે.રોજબરોજ દાયકાઓ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, જેમાં સ્કૂટર-બાઈક ચાલકોને સ્લીપ થવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. કાંકરીના નાના કણો ચક્કામાં ફસાઈ જતા સંતુલન બગડે છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે.
આ પરિસ્થિતિથી પોરબંદરના નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.નાગરિકોનો આક્ષેપ છે કે,મ.ન.પા.ના તંત્રે માત્ર મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને કામ કર્યું,સામાન્ય જનતાની સુવિધાને કોઈ પ્રાથમિકતા આપી નથી. સ્થાનિક રહેવાસીઓ કહે છે,રોડની મરામત જો યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આજે વાહનચાલકોને આટલી મુશ્કેલી ન પડતી.આ કામ માત્ર દેખાવ માટે હતુ, હકીકતમાં કોઈપણ પ્રકારની કાયમી સુવિધા મળી નથી.કસ્તુરબા ગાંધી રોડ પર દિવસભર ભારે ટ્રાફિક રહે છે. કાંકરીના કારણે વાહનો હચમચી જાય છે અને નાના-મોટા અકસ્માતોની શક્યતા ઊભી થાય છે.
જીવનભાઈ જુંગીએ વધુમાં જણાવ્યું હતું કે,શહેરના રોડના કામો કાંઈક દિવસોના દેખાવ માટે થાય છે કે નાગરિકોની લાંબા ગાળાની સુવિધા માટે?કોઈપણ કામમાં ગુણવત્તા અને ટકાઉપણાનો વિચાર કેમ કરવામાં આવતો નથી?પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર રાજકીય આગમન માટેના દેખાવ પર ખર્ચાવા યોગ્ય છે?કસ્તુરબા ગાંધી રોડનું ઉદાહરણ એ સ્પષ્ટ કરે છે કે હજી પણ શહેર વિકાસના કામોમાં દેખાવને પ્રાથમિકતા આપવામાં આવે છે.પ્રશ્ન એ છે કે ક્યારે તંત્ર ખરેખર નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપશે? કે પછી દરેક વખત માત્ર કાર્યક્રમો અને મહાનુભાવોના આગમન પુરતું જ શહેર સુંદર બનાવાશે?તેમ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application