BREAKING NEWS

આંખો આંજી દે તેવો માના ધામનો ઝગમગાટ... ખોડલધામ મંદિર રંગબેરંગી રોશનીથી દીપી ઉઠ્યું, જુઓ તસવીરો

  • October 20, 2025 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. હાલ દિવાળીનો પર્વ શરૂ થઈ ચુક્યો છે ત્યારે દિવાળીના પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શનાર્થે પધારશે. દિવાળીના પર્વને લઈને ખોડલધામ મંદિર અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. 


500થી વધુ સ્વયંસેવકો અને ટ્રસ્ટનો સ્ટાફ સેવા બજાવશે

ખોડલધામ મંદિર પરિસરમાં મંદિર, મુખ્ય પ્રવેશદ્વાર સહિતની જગ્યાએ રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જેના કારણે મંદિરનો આહલાદક નજારો રાત્રિના સમયે જોવા મળી રહ્યો છે. દિવાળી અને નૂતન વર્ષના પર્વની સૌને ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 500થી વધુ સ્વયંસેવકો અને ટ્રસ્ટનો સ્ટાફ સેવા બજાવશે.


તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે

દિવાળીના પર્વને લઈને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500 થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો સ્ટાફ સેવા બજાવશે. વિશાળ 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.


દિવાળી પર્વમાં આકર્ષક રંગોળી બનાવવામાં આવશે

દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર સવારે 5.30 કલાકે ખોલવામાં આવે છે. સવારે 6.00 વાગ્યાથી દર્શન ખુલશે. ત્યારબાદ સવારે 7.00 કલાકે આરતી થશે. ત્યારબાદ બપોરે અને સાંજે થાળ ધરવામાં આવે છે. સાંજે 7.00 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે. માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. રાત્રે 9.00 કલાકે માતાજીના દર્શન બંધ થશે અને મંદિર કેમ્પસ 9.30 કલાકે બંધ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application