BREAKING NEWS

પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છુંઃ નાતબહાર મુકતા કિંજલ દવેએ બળાપો કાઢ્યો

  • December 15, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે તેની જ જ્ઞાતિએ વિરોધ કરીને કિંજલ દવેના પરિવારને નાતબહાર મુકવાનો નિર્ણય કર્યો છે. કિંજલ દવેએે આજના આધુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી. જ્યારે બીજી બાજુ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો છે. ત્યારે કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો બનાવી બળાપો કાઢ્યો છે. જેમાં જણાવ્યું છે કે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું. 



વાત મારા સુધી સિમિત હતી. પરંતુ હવે...

કિંજલ દવે વીડિયોમાં જણાવે છે કે, મારા જીવનના નવા પડાવની શરૂઆત કરી રહી છું. જેટલા પણ લોકોએ મને પ્રેમ, શુભેચ્છાઓ આપી તેનો આભાર માનું છું. રહી વાત મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે તેમાં હું અત્યારસુધી મૌન હતી. કારણ કે, વાત મારા સુધી સિમિત હતી. પરંતુ હવે વાત મારા પરિવાર પર, પિતા પર આવે ત્યારે દીકરી તરીકે હવે મારાથી સહન થતું નથી. એટલે લાગ્યું કે હવે મારે બોલવું પડશે. એક બ્રહ્મ કન્યા અને બ્રહ્મ દીકરી હોવાનો મને એટલો ગર્વ છે કે, જેને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત બ્રહ્મ સમાજના લોકોનો ખૂબ જ ફાળો રહ્યો છે. 



એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો શું હક્ક નથી? 

કિંજલ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, મારી આ જર્નીમાં અઢારેય વરણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. મારા પિતા ઢાલની જેમ ઉભા છે. પરંતુ કહેવાતા મોર્ડન અને સભ્ય સમાજમાં જ્યારે અમુક બે-ચાર અસામાજિક તત્વો છે જે અત્યારે પણ દીકરી માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કરે છે. દીકરીઓને ઉડવા કરવા માટે પાંખો મળી છે પણ તેને વીંઝવાની અને કાપવાની વાતો કરે છે. દીકરીઓ અત્યારે પ્લેન ઉડાવી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદ અને ટેકનોલોજીમાં છે. હમણા ઓપરેશન સિંદૂરમાં બે દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું ત્યારે દીકરીઓના વિચારો આવા અસામાજિક તત્વો નક્કી કરશે? એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો શું હક્ક નથી? 


સાટાપ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું

કિંજલ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, હું બહુ નસીબદાર છું કે, મને એવો પરિવાર અને પિતા મળ્યા છે કે મારી ખુશીમાં ખુશ છે. મારા નિર્ણયને હરખે વધાવી લીધો છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જે ભક્તિમય છે, મારો પાર્ટનર મને ખૂબ પ્રેમ કરી રહ્યો છે. મને આદર અને સત્કારથી સ્વીકારી છે. બાકીના લોકોના મગજમાં આ વાત નહીં ઉતરે. પરંતુ જે શિક્ષિત અને સમજુ લોકો છે તેને નમ્ર વિનંતી કરૂ છું કે, આવા બે-ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓને પાંખો કાપવાની વાતો કરી રહ્યા છે. આવા લોકોને સમાજમાંથી દૂર કરો નહીંતર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોવ તો દીકરીઓના શિક્ષણની વાત કરો. નાની નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે તેના માટે વાતો કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાતો કરો. હજી 17મી અને 18મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજુ સમાજમાં બાળલગ્ન થાય છે એ આપણને બધાને ખબર છે. સાટાપ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું એ તમને બધાને ખબર છે. 



અલ્યા તમે દીકરીઓને ઘૂંઘટામાં રાખો છો

કિંજલ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલ્યા તમે દીકરીઓને ઘૂંઘટામાં રાખો છો અને કહો છો કે અમે દીકરીઓનું સારું કરવા માંગીએ છીએ. એકબાજુ દીકરીઓ તેજસ જેવા જેટ ઉડાવી રહી છે, આર્મીમાં અને નેવીમાં છે. બીજી તરફ દીકરીઓ ઘૂંઘટામાં છે તેના પરથી જ ખબર પડી જાય છે કે દીકરીઓ ક્યાં અને કેટલામાં છે. હું દરેક બ્રહ્મ શક્તિઓ અને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું કે, આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા લોકો મારા પરિવાર વિશે કંઈ પણ પોસ્ટિંગ કરશે તેમના વિરૂદ્ધ કાયદેસરના પગલા લઈશ. કારણ કે, એક દીકરી તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે ચાલતી હતી ત્યારે નાતના જ કોઈ લોકોએ મારા પરિવાર સાથે છેતરપિંડી કરી, અમને અંધારામાં રાખ્યા. મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું. આને વિશેષ મુદ્દો બનાવવાની જરૂર નથી. તમને કોઈ પાંચ હજારમાં નોકરીએ રાખવા તૈયાર નથી અને તમારા ઘરને સંભાળો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News