દ્વારિકા નગરીમાં ફૂલડોલ ઉત્સવમાં હાજરી આપવા માટે સમગ્ર રાજ્ય ભરના અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક કૃષ્ણભક્તો પદયાત્રા કરીને દ્વારકા નગરીમાં પહોંચતા હોય છે, ત્યારે બોટાદનો એક કૃષ્ણભક્ત યુવાન કે જેણે આંખે પાટા બાંધીને દ્વારકાધીશની પદયાત્રા કરીને દર્શન કરવા માટે પહોંચવાની માનતા માની હતી, જે માનતા પૂરી કરવા બોટાદથી પદયાત્રાના પ્રારંભ કર્યો છે, અને આજે સવારે જામનગર જિલ્લામાં આવી પહોંચ્યો છે. અને અવિરતપણે દ્વારકા ભણી પ્રયાણ કર્યું છે.
બોટાદ નો વતની સંજય રમેશભાઈ પડેલીયા કે જેણે પોતાના જીવનમાં સારું થઈ જાય તેવી માનતા માની હતી. પોતે કષ્ટમય જીવન જીવતો હતો. પરંતુ આખરે હાલ તેની પરિસ્થિતિ સારી થઈ ગઈ હોવાથી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવાની માનતા પૂરી કરવા માટે બોટાદથી દ્વારકા સુધીની ૩૬૦ કિલોમીટરની પદયાત્રા નો આંખે પાટા બાંધીને પ્રારંભ કર્યો હતો.
આજથી સાત દિવસ પહેલા તેણે બોટાદ થી પ્રયાણ કર્યું હતું, અને પ્રતિદિન પોતાના પત્નીના સહારે પગપાળા ચાલીને જામનગર સુધી પહોંચ્યો હતો. આજે તેણે જામનગર થી દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે, અને આગામી ચાર દિવસમાં દ્વારકાધીશના દર્શને પહોંચી જવા નો મનસુબો રાખીને અવિરત પણે પદયાત્રા ચાલુ રાખી છે. જેની સાથે અન્ય કેટલાક પદયાત્રીઓ પણ ઉત્સાહભેર જોડાયા છે.