ભાવનગરના વરતેજ વિસ્તારમાં સામે આવેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દારૂ અને કેમિકલના ગેરકાયદે વેચાણ તેમજ આંતરિક સુરક્ષામાં રહેલી મોટી ચૂક બદલ જવાબદાર અધિકારીઓ સામે આકરાં પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ઘટનામાં ઉચ્ચ સ્તરેથી તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે અને બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આકરો નિર્ણય લેતાં ભાવનગર સ્થાનિક ગુના શોધક શાખા (LCB)ના પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સેવામાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ પૂર્વે વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિત કુલ 5 જેટલા પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી સામે લેવાયેલા આ કડક પગલાને કારણે સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે ઊભા થયેલા ગંભીર સવાલો વચ્ચે વિભાગ દ્વારા સમગ્ર લઠ્ઠાકાંડની કડીઓ જોડવા માટે ખાસ તપાસ ચલાવવામાં આવી રહી છે. ગેરકાયદે કેમિકલ સપ્લાય કરનારા બુટલેગરો અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકો સામે સખત કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ છે. આવનારા દિવસોમાં આ કેસ સંબંધિત વધુ કડક પગલાં લેવાય અને અન્ય જવાબદારો સામે પણ કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application