ઉપલેટાના ગણોદ ગામની સીમમાં વાડીએ રાત્રીના ચાલી રહેલા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે અહીંથી જુગાર રમનાર સંચાલક અને જુગાર રમવા આવેલા શખસો સહિત છને ઝડપી લીધા હતા. જ્યારે વાડી માલિક સહિત આઠ શખસો નાસી છૂટ્યા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 1.80 લાખ, ઇકો સહિત પાંચ વાહન મળી કુલ રૂપિયા 5.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડી માલિક અને માણાવદર પંથકનો શખસ મળી અહીં જુગારધામ ચલાવી રહ્યા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા જિલ્લામાં દારૂ- જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમાર અને કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયાને એવી બાતમી મળી હતી કે, ઉપલેટા તાલુકાના ગણોદ ગામની સીમમાં નાગપાલ ઉર્ફે નગો જલુ માણાવદરના સમેગા ગામના કાળા મારૂ સાથે મળી અહીં જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે રાત્રિના અહીં વાડીમાં દરોડો પાડ્યો હતો.
પોલીસને જોતા જ અહીં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે અહીંથી છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં સંચાલક કાર દેવશીભાઈ મારૂ તથા ગોપાલ ભક્તિરામભાઈ અગ્રાવત (રહે. સરદારપુર તા.જેતરપુર), ભાવિન રમણીકભાઈ મહેતા , હનીફ કાસમભાઇ સીડા(રહે.બંને. અમરાપર તા. જામજોધપુર), નિલેશ રાજાભાઈ ડાંગર (રહે નવાગઢ), પ્રકાશ મનસુખભાઈ સુખાનંદી (રહે. સમેગા તા. માણાવદર) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન પટમાંથી રોકડ રૂપિયા 1.80 લાખ ઇકો કાર, પાંચ સ્કૂટર ચાર મોબાઈલ સહિત કુલ રૂપિયા 5.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા શખસોની પૂછતાછ કરતા નાસી ગયેલા શખસોમાં વાડી માલિક નાગપાલ ઉર્ફે નગો નાજાભાઇ જલુ (રહે.ગણોદ), કાનો રબારી (રહે. જુનાગઢ), દિલીપ સવદાસભાઈ ખૂટી (રહે. અમરાપુર તા. જામજોધપુર), ભીખુ મેર (રહે. તરખાઈ તા.પોરબંદર), અશોક ભનુભાઈ કોળી (અમરાપુર તા. જામજોધપુર), રણજીત ઉર્ફે રણીયુ રામદેવભાઈ ખૂટી (રહે. અમરાપુર તા. જામજોધપુર), જયેશ મનજીભાઈ પાદરીયા (રહે. નવાગઢ) અને ભરત ઉર્ફે ભટુરી કોળી (રહે. પીઠડીયા) હોવાનું માલુમ પડ્યું હતું. જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વાડી માલિક નાગપાલ ઉર્ફે નગો અને કારા દેવશીભાઇ મારૂ બંને અહીં જુગારધામ ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું અહીં વાડીમાં થોડા દિવસથી જ જુગારધામ ચાલુ થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ટોળકી આ પ્રકારે અગાઉ જુનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ઇકો કાર સહિતના વાહન લઈ જઈ જુગાર રમવા જતા હોવાનું જાણવા મળ્યું છે