ભારતીય મધ્યમ વર્ગમાં એક પરંપરાગત માન્યતા રહી છે કે 'સારી ડિગ્રી એટલે સુખદ ભવિષ્યની ગેરંટી'. પેઢી દર પેઢી પરિવારોએ પોતાના સંતાનોને એન્જિનિયર, ડોક્ટર કે સીએ બનાવવા માટે પોતાની જિંદગીની બચત ખર્ચી નાખે છે. પરંતુ, ફર્સ્ટ ફાઇનાન્સના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક 2026ના નવા આંકડા એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. હવે માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, કારણ કે અભ્યાસનો ખર્ચ આસમાને પહોંચ્યો છે અને તેની સામે શરૂઆતનો પગાર ઘણો ઓછો છે.
અહેવાલ મુજબ, જો મુંબઈ જેવા શહેરમાં બાળકને 13 વર્ષ શાળામાં ભણાવવાનો ખર્ચ આશરે રૂ. 17.3 લાખ અને ખાનગી કોલેજમાંથી ચાર વર્ષની બી.ટેક ડિગ્રીનો ખર્ચ આશરે રૂ. 16.8 લાખ ઉમેરવામાં આવે, તો કુલ ખર્ચ રૂ. 34.1 લાખ થાય છે.
પરંતુ તેની સામે સોફ્ટવેર ડેવલપર તરીકે સ્નાતકનો સરેરાશ વાર્ષિક પગાર માત્ર રૂ. 4.74 લાખ છે. જો વાર્ષિક દસ ટકા પગાર વધારો ગણીએ તો પણ મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને જોતા, અભ્યાસ પાછળ કરેલું રોકાણ વસૂલ કરવામાં પરિવારને બે દાયકા (20 વર્ષ) જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળો એટલો લાંબો છે કે ત્યાં સુધીમાં વ્યક્તિ પોતાની સંપત્તિ બનાવવાની ઉંમર વટાવી ચૂક્યો હોય છે.
જોકે, બજારમાં તમામ માટે સ્થિતિ સમાન નથી. પરંપરાગત આઈટી નોકરીઓ કરતા એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને મશીન લર્નિંગ ક્ષેત્રમાં પગાર નોંધપાત્ર રીતે વધારે છે. ત્રણ-પાંચ વર્ષનો અનુભવમાં પરંપરાગત આઇટીમાં નવ લાખ સામે એઆઇ ક્ષેત્રમાં 12 લાખ પગાર મળી રહ્યો છે. આમ, એઆઈ-કેન્દ્રિત નોકરીઓમાં 20 ટકાથી 40 ટકા વધુ વેતન મળી રહ્યું છે, જે દર્શાવે છે કે હવે માત્ર ડિગ્રી નહીં પણ કયા વિષયમાં નિપુણતા છે તે મહત્વનું છે.
એક સમયે એમબીએ એટલે ઊંચા પગારની સીડી ગણાતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. ભારતમાં હાલ 5,000થી વધુ સંસ્થાઓ એમબીએ ઓફર કરે છે. 2021થી 2026 દરમિયાન આવી સંસ્થાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, જેના કારણે બજારમાં મેનેજમેન્ટ સ્નાતકોનો રાફડો ફાટ્યો છે. પરંતુ તેની સામે ગુણવત્તાયુક્ત નોકરીઓ વધી નથી. વર્ષ 2024ના ડેટા મુજબ, આઈઆઈએમ ઇન્દોર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ સરેરાશ પગારમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ અસંતુલન સાબિત કરે છે કે રોકાણ સામે મળતું વળતર હવે જોખમમાં છે.
આ અહેવાલ એવું નથી કહેતો કે ડિગ્રી નકામી છે, પરંતુ તે વાલીઓ અને વિદ્યાર્થીઓને લાલ બત્તી ધરે છે. સરકારી કોલેજોમાં એન્જિનિયરિંગનો ખર્ચ રૂ. 6.3 લાખ છે, જે ખાનગી કોલેજોની સરખામણીએ ઘણો ઓછો છે. તેથી, શિક્ષણ પાછળ આંધળો ખર્ચ કરવાને બદલે સંસ્થાની પસંદગી, વિશેષ કૌશલ્ય અને આર્થિક ગણતરીઓ કરવી હવે અનિવાર્ય બની ગઈ છે.