BREAKING NEWS

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો ધ એન્ડ: રૂ.૩૫૦ કરોડની કિંમતની ૮૮,૭૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

  • February 25, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઇતિહાસનું સૌથી મોટું એવું જંગલેશ્વરનું મેગા ડિમોલિશન પૂર્ણ થતાં આજે મહાપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બપોરે ૧૨ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે કુલ રૂ.૩૫૦ કરોડની બજાર કિંમતની ૮૮૭૫૦ ચોરસ મીટર જમીન ઉપરથી મુખ્યત્વે રહેણાંક મકાનો અને ઓરડીઓ સહિતના કુલ ૧૪૮૯ દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કમિશનર સુમેરાએ ઉમેર્યું હતું કે, ટીપી રોડ ખુલતા જંગલેશ્વર હવે શહેરના મુખ્ય રોડ નેટવર્ક સાથે કનેક્ટ થયું છે, બાપુનગરથી સીધું જ નાડોદા નગર નિકળી શકાશે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતની ઇમરજન્સી સેવાઓના વાહનો વિસ્તારમાં પ્રવેશી શકશે તેમજ ચોમાસામાં આજી નદી કાંઠે પૂર રાહત કામગીરી સરળ બનશે.


રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.૨૩થી તા.૨૪ દરમ્યાન શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૧૬માં સમાવિષ્ટ જંગલેશ્વર તરીકે ઓળખાતા વિસ્તારમાં રાજકોટ ટીપી સ્કિમ નં.૬ના ૧૫ મીટરના ટી.પી રોડ (બાપુનગરથી નાડોદાનગર) તેમજ શાળા નં. ૭૦થી પૂર્વ તરફ આવેલ આજી નદી પટ વિસ્તારમાં કુલ ૧૪૮૯ ગેરકાયદેસર દબાણ-બાંધકામ દુર કરાયા છે. હવે સ્થળ ઉપર પડેલો કાટમાળ દૂર કરવાની કામગીરી પણ ઝડપભેર હાથ ધરાશે.


પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ વધુમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વરના ઉપરોક્ત ગેરકાયદેસર દબાણ-બાંધકામ ટી.પી.રોડમાં નડતરરૂપ હોય તેમજ શાળા નં ૭૦થી પૂર્વ તરફ આવેલ આજી નદી પટવાળા લોકેશન ઉપર આજી નદી અને ખોખડદડી નદી બંને નદીઓ ભેગી થતી હોય પુર દરમ્યાન આ લોકેશન ઉપર મદદ મળવી સૌથી મુશ્કેલ થતું હોય,તમામ ગેરકાયદેસર દબાણકર્તા આસામીઓને ધી જીપીએમસી એક્ટ, ૧૯૪૯ની કલમ-૨૬૦(૧) હેઠળની નોટીસ આપવામાં આવી હતી તેમજ સ્થાનિકે જઈ વારંવાર રૂબરૂ પણ જણાવવામાં આવ્યું હતું તેમ છતાં, આસામીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરેલ ન હોય, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કલમ-૨૬૦(૨) હેઠળ હુકમ કરવામાં આવ્યો હતો. અંતે રાજકોટ ટીપી સ્કિમ નં.૬ના ૧૫ મીટર ટીપી રોડ તથા આજી નદી પટ વિસ્તાર ખુલ્લો કરાવવા નડતરરૂપ ગેરકાયદેસર દબાણ-બાંધકામ દુર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉક્ત ડીમોલીશન અન્વયે કાચા પાકા મળી કુલ ૧૪૮૯ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.


જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનથી ટી.પી.રોડ પૈકીની ૩૩,૭૫૦ ચો.મી. જમીન તથા આજી નદી પટ વિસ્તારની ૫૫,૦૦૦ ચો.મી. જમીન મળી કુલ અંદાજે ૮૮,૭૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ છે. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ બ્રાન્ચના સ્ટાફના ૧૫૧૨ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ પોલીસ બ્રાન્ચ તેમજ રાજકોટ શહેર પોલીસ સ્ટાફ અને એસઆરપી જવાનોએ વિશાળ સંખ્યામાં ફરજ ઉપર તૈનાત રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.


ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા(આઇએએસ) ડેપ્યુટી કમિશનર મહેશ જાની (આઇઆઇએસ), રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ હેતલ પટેલ (આઇપીએસ) ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, ડેપ્યુટી કમિશનર પથિક પટેલ, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, ડેપ્યુટી કમિશનર સમીર ધડુક, સિટી એન્જિનિયર પી.ડી.અઢિયા, વિજિલન્સ પોલીસ ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News