સામાન્ય રીતે ઉનાળામાં ડુંગરમાં પાણીનો સ્ત્રોત ખૂટે એટલે દીપડાઓ માનવ વસાહત તરફ આવતા હોય છે પરંતુ આ વખતે ભર શિયાળે દીપડા પોરબંદરના પાદર સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે જેમાં પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં ઘેટાનું મારણ કરતા વન વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં સતિઆઇ માતાજીના મંદિર નજીક રાત્રિના સમયે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને એક ઘેટાનું મારણ કરી લીધું હતું. આથી માલધારી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામતભાઈ ભમ્મર અને માર્ગદર્શન નીચે ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ નાગાજણભાઈ મોઢવાડિયા અને મયુરભાઈ કોડીયાતર સહિતની ટીમ ઇન્દિરા નગર વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા માટે મારણ સાથેનું પાંજરું ગોઠવી દીધું હતું. આ વિસ્તારમાં અસંખ્ય પશુપાલકો વસવાટ કરે છે તેથી પશુ માલિકો એ વન વિભાગને એવી રજૂઆત કરી છે કે દીપડાને તાત્કાલિક પાંજરે પુરવો જરૂરી બન્યો છે. કારણ કે માનવ વસાહત સુધી તે ફરીથી પહોંચી ગયો છે માટે તેને પકડી લેવો જરૂરી છે. તો બીજી બાજુ ઉદ્યોગ નગરમાં એક ફેક્ટરી પાછળ ગૌશાળા નજીક પણ એક દીપડો નજરે ચડ્યો હતો અને એક પશુનું મરણ થયું હોવાનું વન વિભાગને જણાવ્યું હતું આથી જંગલ ખાતું ત્યાં પણ તપાસ માટે દોડી ગયું છે અને હકીકતે દીપડા એ જ પશુનું મરણ કર્યું છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે અને જો એ વિસ્તારમાં પણ દીપડો હોય તેવા પુરાવા મળશે તો ત્યાં પણ પાંજરું ગોઠવવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.