BREAKING NEWS

ગ્લોબલ વોર્મિંગની અસરથી આકાશી વીજળી પડવાની ઘટનાઓ 140 ટકા સુધી વધી જશે

  • November 28, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






વિશ્વભરમાં વધી રહેલા તાપમાન અને જળવાયુ પરિવર્તનની અસર હવે કુદરતી આફતો પર પણ જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોના એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે પૃથ્વીનું તાપમાન વધતું રહેશે તો ભવિષ્યમાં આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં મોટો વધારો થઈ શકે છે. અંદાજ મુજબ, વર્ષ 2100 સુધીમાં આકાશી વીજળી પડવાની ઘટનાઓ 1995થી 2014ના સમયગાળાની સરખામણીએ 76થી 140 ટકા સુધી વધી શકે છે. આ સ્થિતિ માનવજીવન, ખેતી, જંગલો અને પર્યાવરણ માટે નવો પડકાર ઊભો કરી શકે છે.


વૈજ્ઞાનિકોના અનુમાન પ્રમાણે, એમેઝોન, દક્ષિણ-પૂર્વ એશિયા અને ઓશનિયા જેવા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં સૌથી વધુ વધારો થઈ શકે છે. જ્યારે અમેરિકાના અલાસ્કા વિસ્તારમાં વીજળી પડવાની ઘટનાઓની સંખ્યા વર્તમાન સ્તરની સરખામણીએ લગભગ છ ગણી એટલે કે 116 ટકાથી વધીને 594 ટકા સુધી પહોંચી શકે છે.



અભ્યાસમાં જણાવ્યા મુજબ, પૃથ્વીના તાપમાનમાં થતો દરેક ડિગ્રીનો વધારો આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો કરી શકે છે. વર્ષ 1901થી 1920 અને વર્ષ 1995થી 2014 વચ્ચેના આંકડાઓની સરખામણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓમાં આશરે 11 ટકાનો વધારો નોંધાયો હતો. તાપમાનમાં દરેક એક ડિગ્રીના વધારા સાથે વીજળી પડવાની ઘટનાઓમાં લગભગ 12 ટકાનો વધારો થતો હોવાનું પણ અભ્યાસમાં સામે આવ્યું છે.



જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિકના સંશોધકોએ જળવાયુ પરિવર્તનની આ અસર સમજવા માટે મશીન લર્નિંગ મોડલ તૈયાર કર્યું હતું. આ મોડલમાં તાપમાન, વરસાદ, ભેજ, હવાનું દબાણ, પવનની ગતિ અને સૂર્યમાંથી મળતી ઊર્જા જેવા વિવિધ પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ આંકડાઓના આધારે ભવિષ્યમાં વીજળી પડવાની ઘટનાઓ કેટલી વધી શકે છે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


જોકે, સંશોધકોનું માનવું છે કે ભવિષ્યમાં વીજળી પડવાની ઘટનાઓ અંગેના અનુમાનોમાં હજુ પણ અનિશ્ચિતતા રહેલી છે. તેમ છતાં જળવાયુ પરિવર્તનને કારણે આ જોખમ વધી શકે છે તે બાબત ચિંતાજનક છે.



આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થવાથી માત્ર જાનમાલનું નુકસાન જ નહીં, પરંતુ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓનું જોખમ પણ વધી શકે છે. વીજળી પડવાથી સૂકા જંગલોમાં આગ ભડકી શકે છે, જેનાથી મોટા પ્રમાણમાં વૃક્ષો, વન્યજીવો અને કુદરતી સંપત્તિને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ખેતી, વીજળી વ્યવસ્થા અને લોકોની રોજીરોટી પર પણ તેની અસર પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application