રાજકોટ જિલ્લાના આટકોટ અને અમરેલી સરહદને જોડતા બાબરા હાઈવે પર આવેલા વિવિધ પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે વાહનચાલકો સહિત ખાસ કરીને ખેતીકામ કરતા ખેડૂતોને ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર સ્થિત પેટ્રોલ પંપો બહાર ટ્રેક્ટરો અને મોટા વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો લાગતાં વાહનવ્યવહારને પણ અસર થઈ રહી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ડેપોમાંથી પેટ્રોલિયમ પેદાશોનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ઠેર-ઠેર પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ જોવા મળી રહ્યા છે. જે પંપ પર ડિઝલનો થોડો ઘણો જથ્થો ઉપલબ્ધ હોય છે, ત્યાં ગણતરીની મિનિટોમાં જ વાહનોનો મેળાવડો જામી જાય છે. ખેતીની વર્તમાન સીઝન વચ્ચે જ ડીઝલની અછત સર્જાતા ખેડૂતોનો મૂલ્યવાન સમય પંપ પર લાઈનમાં ઉભા રહેવામાં જ વેડફાઈ રહ્યો છે, જેના કારણે ખેતીકામ ખોરંભે પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ગંભીર પરિસ્થિતિ અંગે ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવા અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે, પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ પૂરતો જથ્થો મળી રહ્યો નથી. બીજી તરફ, પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે પાછળથી જ સપ્લાય ઓછો હોવાથી તેઓ લાચાર છે. જો આગામી દિવસોમાં આ અછત દૂર કરવામાં નહીં આવે અને પેટ્રોલ-ડીઝલનો નિયમિત જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો સ્થાનિક સ્તરે સ્થિતિ વધુ વણસી શકે છે અને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.