રાજકોટ નજીક આવેલા ઢાંઢણી ગામમાંથી કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતી અને હિંસક અંક ધરાવતી ઘટના સામે આવી છે. કૌટુંબિક ભાભી સાથે પ્રેમસંબંધ ધરાવતા યુવકને મોડી રાત્રે પ્રેમિકાના ઘરે જવું ભારે પડી ગયું હતું. મહિલાના પરિવારજનોને આ વાતની જાણ થતાં જ તેમણે યુવકને પકડી પાડી લોખંડના સળિયા તથા ઢીકાપાટુનો સખત માર માર્યો હતો. આ હુમલામાં યુવકનું માથું ફાટી જતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રણ વર્ષથી ચાલતા પ્રેમસંબંધમાં ૧૪ ઓગસ્ટની રાત્રે બન્યો બનાવ
મળતી વિગતો અનુસાર, પીડિત યુવક અલ્પેશભાઈએ આજીડેમ પોલીસ મથકે પોતાના પર થયેલા હુમલા અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. અલ્પેશભાઈને છેલ્લા ત્રણેક વર્ષથી પોતાની કૌટુંબિક ભાભી સાથે પ્રેમસંબંધ હતો અને બંને અવારનવાર એકબીજા સાથે વાતચીત તેમજ મુલાકાત કરતા હતા. ૧૪ ઓગસ્ટની રાત્રે અલ્પેશભાઈ પોતાની પ્રેમીકાને મળવા માટે ગુપ્ત રીતે તેના ઘરે પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન પરિણીતાના પરિવારજનો જાગી જતાં અલ્પેશ પકડાઈ ગયો હતો અને કૌટુંબિક સભ્યો વચ્ચે તીવ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
સાસુ-નણંદે ફડાકા માર્યા, પતિ અને અન્ય સભ્યોએ લોખંડના સળિયાથી હુમલો કર્યો
બોલાચાલી ઉગ્ર બનતા પરિણીતાના પતિ તેમજ અન્ય સાસરિયાઓ અલ્પેશ પર તૂટી પડ્યા હતા. આવેશમાં આવેલા પુંજાભાઈ અને મુકેશ નામના શખસોએ લોખંડના સળિયા વડે અલ્પેશના માથાના ભાગે સટાસટ ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત પરિણીતાના પતિએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે સાસુ અને નણંદે પણ ગાલ પર સસરાટ ફડાકા ચોડી દીધા હતા. લોખંડના સળિયા વાગવાથી અલ્પેશના માથામાંથી અતિશય લોહી વહેવા લાગ્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈ પરિવારના જ એક અન્ય સભ્યએ વચ્ચે પડીને અલ્પેશને વધુ માર ખાવાથી બચાવ્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહી
બનાવ બાદ યુવકના પરિવારજનો તેને ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપી પુંજાભાઈ અને મુકેશે "હવે પછી જો અહીં ફરી આવીશ તો જાનથી મારી નાખીશું" તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા અલ્પેશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેના માથાના ભાગે ડ્રેસિંગ કરી પાટો બાંધ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે હુમલો કરનાર પુંજાભાઈ, મુકેશ સહિતના તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.