મોરબીમાં લીનઈનમાં રહેતા એક પ્રેમી યુગલ વચ્ચે ઝઘડો થયો હતો. આથી પ્રેમીએ પ્રેમિકાને બેફામ માર મારતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી લોકઅપમાં પૂર્યો હતો. આ દરમિયાન પ્રેમીને છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ બનાવથી મોરબીમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, મોરબીમા લગધીરપુર ગામ નજીક આવેલ લેક્સેસ સિરામિક ફેકટરીમાં યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી (ઉં.20)ની લાશ લેબરરૂમમાંથી મળી આવી હતી. મૃતક પુષ્પાબેન મરાવીના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે પુષ્પાબેન જેમની સાથે રહેતી હતી તેવા તેના પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ (ઉં.25)ની પૂછપરછ કરતા શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ્યું હતું.
પ્રેમીનું પણ મોત
બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને હત્યા અંગે ગુનો નોંધી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો. દરમિયાન વહેલી પરોઢે અચાનક નરેન્દ્રસિંહને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.
બંને ત્રણ મહિના પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હતા
મોરબીમાં લિવ ઈનમાં રહેતા પ્રેમી યુગલના મોતના ચકચારી બનાવમાં મધ્યપ્રદેશના વતની યુવક અને યુવતી ત્રણ મહિના પહેલાં મોરબી આવ્યા હતા અને સાથે રહી મજૂરી કામ કરતા હતા. આ કિસ્સામાં મૃતક નરેન્દ્રસિંહે યુવતીને પટ્ટા અને લાકડીથી માર માર્યો હોવાની પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ નરેન્દ્રસિંહનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.