ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ મંગળવાર, 17 નવેમ્બરના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે હવે IPL 2027માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે નહીં, પરંતુ તે ટીમ સાથે રહેશે કારણ કે ફ્રેન્ચાઇઝીએ તેને મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના માલિક રૂપા ગુરુનાથે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની એક માર્ગદર્શક તરીકે ટીમ પરિવારનો ભાગ રહેશે. તેમનો અનુભવ અને કુશળતા અમારા માટે અમૂલ્ય છે. રૂપા ગુરુનાથના પિતા એન. શ્રીનિવાસને કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની હંમેશા CSK ની ઓળખનો અભિન્ન ભાગ રહેશે. CSK તેમનું ઘર હતું, છે અને હંમેશા રહેશે.
ધોનીએ CSKને પાંચ IPL ટ્રોફી જીતાડી
ધોની છેલ્લા કેટલાક સીઝનથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ધોનીએ CSKને પાંચ (2010, 2011, 2018, 2021 અને 2023) IPL ટાઇટલ જીતાડ્યા છે. તેણે 2024 સીઝન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી.
તેમના નેતૃત્વમાં CSK કુલ 10 IPL ફાઈનલમાં પહોંચી હતી. 2016 અને 2017માં CSK પર બે વર્ષના પ્રતિબંધ દરમિયાન ધોની 'રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ' તરફથી રમ્યા હતા, પરંતુ 2018માં ચેન્નાઈમાં પરત ફરતા જ ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેમની અંતિમ ટાઈટલ જીત 2023માં અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ સામે વરસાદથી પ્રભાવિત ફાઈનલમાં આવી હતી, જ્યાં રવિન્દ્ર જાડેજાના અંતિમ બોલના ચોગ્ગા બાદ ધોનીએ જાડેજાને તેડી લીધા હતા.
ધોનીએ 278 IPL મેચ રમી
IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા નંબર પર છે. તે અત્યાર સુધી 278 મેચ રમી ચૂક્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ટાઇટલ જીતાડ્યા છે. 38.30ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 ફિફ્ટી પણ ફટકારી છે. તેણે વિકેટકીપિંગમાં 47 સ્ટમ્પિંગ અને 154 કેચ પણ ઝડપ્યા છે.
IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન
ધોની IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન છે. તેણે IPLમાં સૌથી વધુ 235 મેચમાં કેપ્ટનશીપ કરી છે. આ યાદીમાં બીજા નંબર પર રોહિત શર્મા છે. તેણે 158 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં CSKને 2023માં છેલ્લી વાર ચેમ્પિયન બનાવ્યો હતો. ધોની પોતાની કેપ્ટનશીપમાં ટીમને 136 મેચમાં જીત અપાવી ચૂક્યો છે, જ્યારે 97 મેચમાં ટીમને હાર મળી.