બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા બલૂચિસ્તાન વિસ્તારમાં થયેલા વિવિધ હુમલાઓમાં 20 પાકિસ્તાની સૈનિકો અને કથિત સહયોગીઓને મારી નાખ્યા હોવાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા નિવેદનમાં BLAના પ્રવક્તા જિયાંદ બલૂચે જણાવ્યું હતું કે 21 નવેમ્બરના રોજ નુશ્કીના હઝદા ખોલ ખાતે પાકિસ્તાની સેનાના 93 વિંગ કેમ્પ પર થયેલા હુમલામાં સંગઠનની હવાઈ શાખા 'QAHR' અને 'ફતેહ સ્ક્વોડ' સામેલ હતા.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હુમલાની શરૂઆત 'યુનિટ QAHR' દ્વારા કરવામાં આવી હતી, જ્યારે લડવૈયાઓની અન્ય ટુકડીઓએ ભારે તથા અન્ય હથિયારોનો ઉપયોગ કરીને વિવિધ દિશાઓમાંથી સૈન્ય પર હુમલો કર્યો હતો.
સૈન્ય મથકો પર 11 ડ્રોન હુમલાનો દાવો BLAના દાવા મુજબ, આ કાર્યવાહી દરમિયાન તેમની હવાઈ ટુકડી QAHR દ્વારા સૈન્ય ઠેકાણાઓ પર 11 ડ્રોન હુમલા કરાયા હતા, જેમાં કેમ્પના આઠ જવાનોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. 'ધ બલૂચિસ્તાન પોસ્ટ'ના અહેવાલ અનુસાર સંગઠને કહ્યું છે કે તેમના લડવૈયાઓએ રેકો અને હારૂની ખાતેના સૈન્ય શિબિરોને મદદ પહોંચાડવા જઈ રહેલા કાફલાઓને પણ નિશાન બનાવ્યા હતા.
નિવેદન મુજબ રેકો વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં ત્રણ જવાનો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ચાર ઘાયલ થયા હતા. જ્યારે હારૂનીમાં BLAના સ્નાઈપરો દ્વારા કરાયેલા હુમલામાં બે જવાનો ઘટનાસ્થળે જ ઠાર થયા હોવાનો દાવો કરાયો છે.
BLAના જણાવ્યા અનુસાર, લડવૈયાઓએ જરીન જંગલમાં એક પુલને ઉડાવી દીધો હતો, જેના કારણે પાકિસ્તાની સેના કલાકો સુધી વધારાની કુમક મોકલી શકી નહોતી. સંગઠને દાવો કર્યો છે કે નુશ્કીની કાર્યવાહીમાં કુલ 13 સૈનિકોના મોત થયા હતા અને 11થી વધુ ઘાયલ થયા હતા.