અમદાવાદના મણિનગર વિસ્તારમાં મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ ઊભી કરીને સામાન્ય લોકોમાં રોફ જમાવતો એક ઠગ યુવક ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું લેમિનેશન કરેલું એક બનાવટી આઈકાર્ડ પણ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ આરોપી અગાઉ નકલી પોલીસ બનવાના ગુનાઓમાં પણ પકડાઈ ચૂકેલો છે. આ સમગ્ર મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ બનાવટી પોલીસના ગુનામાં પકડાયેલો કિરીટકુમાર ઉર્ફે કે.બી. બાબુ જેઠા અમીન (ઉં.વ. 40) હાલમાં પોતે ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની નકલી ઓળખ આપીને દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે ફરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચીને તેને કોર્ડન કરીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. આરોપીની અંગઝડતી કરવામાં આવતા તેના ખિસ્સામાંથી 'ગર્વમેન્ટ ઓફ ગુજરાત - રેવન્યૂ ડિપાર્ટમેન્ટ' લખેલું અને નાયબ મામલતદાર હોવાનું દર્શાવતું લેમિનેશન કરેલું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું, જેને પોલીસે કબજે કર્યું હતું.
મૂળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો વતની અને હાલ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં કોમ્ફી હોટેલની બાજુમાં આવેલા એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો આ શખ્સ ભારે ગુનાહિત માનસિકતા ધરાવે છે. પોલીસ રેકોર્ડની તપાસ કરતા બહાર આવ્યું છે કે તે અગાઉ પણ નકલી પોલીસ બનીને લોકોને ડરાવી-ધમકાવવાના અને ફસાવવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસની પ્રાથમિક આશંકા મુજબ, તેણે હવે મહેસૂલ વિભાગના ક્લાસ-ટુ કક્ષાના જવાબદાર અધિકારીનું નકલી આઈકાર્ડ તૈયાર કરીને લોકો પર ખોટો રોફ જમાવવાનું અને સરકારી ઓહદાના નામે છેતરપિંડી કરવાનું નવું નેટવર્ક શરૂ કર્યું હોઈ શકે છે. હાલ પોલીસ આ દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.