BREAKING NEWS

જેન-ઝી આંદોલનનો લાભ ઉઠાવી નેપાળની જેલમાંથી ભાગેલો શખ્સ અમદાવાદમાં પકડાયો

  • January 27, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ એક મહત્વપૂર્ણ અને મોટી સફળતા હાંસલ કરી છે. એસઓજી દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જે નેપાળની જેલ તોડીને ફરાર થયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહેતો હતો. આ આરોપી અનેક દેશોમાં ગુનાખોરીમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓમાં પણ ચકચાર મચી ગઈ છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદ એસઓજીને ગુપ્ત બાતમી મળી હતી કે નેપાળનો એક શખસ પોતાની સાચી ઓળખ છુપાવીને શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હરકતોના આધારે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.


પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે નેપાળમાં ચાલી રહેલા જેન-ઝી આંદોલન દરમિયાન તે જેલમાં બંધ હતો અને આંદોલન દરમિયાન થયેલી અશાંતિનો લાભ લઈ જેલ તોડીને ફરાર થયો હતો. જેલમાંથી ભાગ્યા બાદ તે નાસતો-ફરતો ભારત આવી પહોંચ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ ઓળખ બદલીને છુપાઈને રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.


પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી રીઢો ગુનેગાર છે અને નેપાળ સિવાય અન્ય દેશોમાં પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. જોકે, હાલ સુધીની તપાસમાં તેણે ગુજરાત કે ભારતમાં કોઈ ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું નથી. તેમ છતાં, તેની હાજરીને લઈને પોલીસ કોઈ જોખમ લેવા તૈયાર નથી.


હાલ એસઓજી અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તે કયા હેતુથી ભારત આવ્યો હતો, સરહદ ઓળંગવામાં તેને કોઈ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદ મળી હતી કે નહીં, તેમજ ભારતમાં તેનો મુખ્ય ઈરાદો શું હતો. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય ગુનાખોરીની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને નેપાળ સહિત અન્ય દેશોની એજન્સીઓ સાથે સંપર્ક સાધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.


આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનેગારની ધરપકડ થતાં અમદાવાદ પોલીસને આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની આશા છે. સુરક્ષા એજન્સીઓ માટે આ ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News