રાજકોટના ગ્રામ્ય પંથકમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની છ વર્ષની માસૂમ પુત્રીને બોર ખવડાવવાની લાલચ આપી સીમમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના પાંચ વર્ષ જૂના ચકચારી કેસમાં પોક્સો અદાલતે આરોપીને કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારી છે. સાથે દંડનો પણ હુકમ કરવામાં આવ્યો છે. પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ.બી. પઠાણે આરોપી રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલને દોષિત ઠરાવી આ ચુકાદો આપ્યો હતો.
કેસની હકીકત મુજબ, મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની અને રાજકોટ તાલુકાના બારવણ ગામની સીમમાં રહી મજૂરીકામ કરતા પરિવારની છ વર્ષની બાળકી વાડીમાં રમતી હતી ત્યારે આરોપી રામદેવ ઉર્ફે રામલાલ તેને બોર ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત તા. 11-2-2021ના રોજ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરી હતી.
પોક્સો કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન ફરિયાદી તથા ભોગ બનનાર બાળકીની જુબાની લેવામાં આવી હતી. બાળકી માટેની વિશેષ વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરમાં નોંધાયેલી જુબાનીમાં તેણે આરોપીને ઓળખી બતાવી પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું હતું.
આ ઉપરાંત તબીબ, જન્મનો દાખલો આપનાર અધિકારી અને તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની તેમજ મેડિકલ સર્ટિફિકેટ, એફએસએલ રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એફએસએલના પરીક્ષણમાં બાળકીનાં કપડાં અને પ્રાઇવેટ પાર્ટ્સ પરથી મળેલા સીમેનના નમૂનાનું આરોપીના બ્લડ ગ્રુપ સાથે મેચિંગ થતું હોવાની બાબત પણ પ્રોસિક્યુશન દ્વારા અદાલત સમક્ષ મૂકવામાં આવી હતી.
સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળિયાએ દલીલો કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદી અને ભોગ બનનારની જુબાની સહિતના મૌખિક, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓથી આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર થયો છે. આથી આરોપીને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. અદાલતે રજૂ થયેલા પુરાવા અને દલીલો ધ્યાને લઈ આરોપીને દોષિત ઠરાવી કુદરતી મૃત્યુ સુધીની આજીવન સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.