રાજકોટ શહેર એસોજીની ટીમે માદક પદાર્થનો જથ્થો ઝડપી લેવાની હેટ્રિક કરી છે. સોમવારે પોષડોડાનો જથ્થો ઝડપી લીધા બાદ ગઈકાલે બામણબોર પાસેથી બે શખસોને ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. દરમિયાન આજરોજ એસોજીની ટીમે જંકશન વિસ્તારમાંથી રીઢા આરોપીને એમ.ડી., ચરસ અને હાઇબ્રીડ ગાંજા સહિતના માકદ પદાર્થના અંદાજિત 10 લાખના જથ્થા સાથે ઝડપી લીધો છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં યુવાધનને નસાના રવાડે ચડાવનાર ડ્રગ પેડલરો સામે કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે એસ.ઓ.જી.પી.આઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, શહેરના જંકશન વિસ્તારમાં રહેતો અને અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ તુરંત અહીં પહોંચી હતી.
જંકશન વિસ્તારમાં રહેતા આ શખસને ત્યાં દરોડો પાડી અહીંથી એમ.ડી, હાઇબ્રીડ ગાંજો,ચરસ, સાદો ગાંજો સહિત ૧૦ લાખની કિંમતનો માદક પદાર્થનો જથ્થો કબજે કરી આ અંગે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલ શખસ અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જેમાં તે 17 વર્ષની સજા પણ કાપી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. જેલમુક્ત થયા બાદ આ શખસે નશાનો વેપલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં જે ગાંજાની પડીકીઓ બનાવીને વેચતો હતો પરંતુ હવે તેણે એમડી અને હાઇબ્રીડ ગાંજાનો વેપલો શરૂ કર્યો હોય પોલીસે તેને ઝડપી લઇ માદક પદાર્થનો આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો? તે અંગે પૂછતાછ કરતા થાનના કોઈ શખસ પાસેથી આ જથ્થો લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઈ એન. બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી.જાડેજા, એએસઆઈ અરૂણભાઈ બાંભણીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.