BREAKING NEWS

અમરેલીના મેન્ગ્રોવ જંગલો સિંહોનું નવું ઘર, ગુજરાતમાં 10 વર્ષમાં સાવજોની સંખ્યામાં 70%નો વધારો

  • August 07, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના દરિયાકાંઠાના મેન્ગ્રોવ જંગલો, જ્યાં અત્યાર સુધી મગર, સ્થળાંતર કરનારા પક્ષીઓ અને વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિનું પ્રભુત્વ હતું, ત્યાં હવે એશિયાટિક સિંહોની હાજરી નોંધાતા વન્યજીવ વૈજ્ઞાનિકોમાં ઉત્સુકતા વધી છે. સંશોધકોએ પ્રથમ વખત મેન્ગ્રોવ વિસ્તારમાં સિંહોની અવરજવર અને આરામ કરતા ફોટોગ્રાફિક પુરાવા નોંધ્યા છે. ભારતમાં મેન્ગ્રોવ વસવાટમાં સિંહોની હાજરીનો આ પ્રથમ દસ્તાવેજી પુરાવો માનવામાં આવી રહ્યો છે.


ફ્રોમ ફોરેસ્ટ ટુ શોર: ટ્રેસિંગ ધ એશિયાટિક લાયન'સ જર્ની ઇન્ટુ મેન્ગ્રોવ હેબિટેટ્સ નામનો આ અભ્યાસ પ્રોસીડિંગ્સ ઓફ ધ ઝૂલોજિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો છે. જાન્યુઆરીથી જૂન 2024 દરમિયાન વિશાલ પટેલ, ખુશ્બૂ સિંગલા અને નિશિથ ધરૈયાએ અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં કેમેરા ટ્રેપ લગાવ્યા હતા. 30 ટ્રેપ નાઈટ્સ દરમિયાન ચાર સિંહો – એક પુખ્ત સિંહણ અને ત્રણ સબ-એડલ્ટ –ના કુલ 45 ફોટોગ્રાફ નોંધાયા હતા.


ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં સિંહોની સંખ્યામાં આશરે 70 ટકાનો વધારો થયો છે. વર્ષ 2015માં 523 રહેલી સિંહોની વસ્તી 2025માં વધીને 891 થઈ છે. વધતી વસ્તી અને ગીરના પરંપરાગત જંગલોમાં જગ્યા માટેની સ્પર્ધાને કારણે હવે સિંહો ગીર બહારના વિસ્તારો, ખાસ કરીને દરિયાકાંઠા તરફ વિસ્તરી રહ્યા હોવાનું સંશોધકોનું માનવું છે.


અભ્યાસ મુજબ મેન્ગ્રોવ વિસ્તાર સિંહો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. ખેતીવાળા વિસ્તારોની તુલનામાં અહીં માનવીય અવરજવર ઓછી છે, ગીચ વૃક્ષો ગરમીમાં છાંયો આપે છે અને શિકાર માટે જરૂરી પ્રાણીઓ પણ ઉપલબ્ધ છે. કેમેરા ટ્રેપમાં 43 ગોલ્ડન જેકલ, 24 જંગલી ડુક્કર અને જંગલ બિલાડીના પગલાં પણ નોંધાયા હતા. જોકે સિંહો અહીં શિકાર કરે છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી.

વન્યજીવ નિષ્ણાત એચ. એસ. સિંહે જણાવ્યું કે સિંહો સામાન્ય રીતે મેન્ગ્રોવથી દૂર રહે છે, પરંતુ ઠંડક મેળવવા માટે ક્યારેક કાદવવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં જાય છે. આ અભ્યાસ ભવિષ્યમાં વધુ વિસ્તૃત સંશોધન માટે મહત્વપૂર્ણ આધાર બની શકે છે.

સંશોધકોએ સ્વીકાર્યું છે કે આ અભ્યાસ મર્યાદિત હતો. તેમાં માત્ર એક જ ઋતુ, 30 ટ્રેપ નાઈટ્સ અને ચાર સિંહોના પુરાવા મળ્યા હોવાથી સિંહોની સ્થાયી હાજરી અંગે કોઈ નિશ્ચિત તારણ આપી શકાય નહીં. ભવિષ્યમાં જીપીએસ કોલરિંગ, સિંહોના મળના વિશ્લેષણ અને લાંબા ગાળાના કેમેરા ટ્રેપ અભ્યાસ દ્વારા તેમની હિલચાલ, રહેઠાણ અને શિકારની પદ્ધતિ અંગે વધુ માહિતી મેળવવાની ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશમાં લગભગ 1,164 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે બીજા ક્રમે સૌથી વધુ મેન્ગ્રોવ આવરણ ધરાવે છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા 1.78 ચોરસ કિલોમીટરના મેન્ગ્રોવ વિસ્તારમાં મુખ્યત્વે એવિસેનિયા મરીના (ગ્રે મેન્ગ્રોવ) પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં મેન્ગ્રોવ વિસ્તાર પણ ગુજરાતના સિંહોના મહત્વપૂર્ણ કુદરતી રહેઠાણ તરીકે વિકસી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application