દિવાળી એ પ્રકાશ અને આનંદનો તહેવાર છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં દિવાળીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રંગીલા રાજકોટની વાત કરીએ તો શહેરની તમામ બજારો લોકોની ખરીદીથી ખીલી ઉઠી છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરા બજાર, યાજ્ઞિક રોડ સહિતની મુખ્ય બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે. સાંજ પડેને લોકો ઘરની બહાર નીકળી ખરીી કરવા નીકળી રહ્યા છે અને બજારો ગ્રાહકોથી ભરચક્ક થઈ જાય છે.
શહેરની ફટાકડા બજાર તરીકે વર્ષોથી જાણિતી સદર બજારમાં પણ ભીડ ઉમટી પડી રહી છે. આ વખતે ફટાકડાની અવનવી વેરાઈટીથી બાળકોથી લઈ મોટેરા સૌ કોઈ ધૂમ ખરીદી કરી રહ્યા છે. ખરીદી નીકળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મુખવાસની અવનવી વેરાઈટીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
શહેરના સાંગણવા ચોકની મુખ્ય બજારમાં ફટાકડા સિરીઝ આકર્ષણનું કેન્દ્ર બની છે. રિમોટ સંચાલિત આ સિરીઝમાં ઓન બટન દબાવતાની સાથે જ સિરીઝમાં ફટાકડાના અવાજો શરૂ થઈ જાય છે અને ત્યારબાદ રિમોટથી જ તે બંધ કરી શકાય છે. આ ઉપરાંત મોદક, સ્ટાર, દીવા અને સ્ટીક સિરીઝ તો બાંધણી, પતંગિયા અને ફૂલની ડિઝાઇનમાં કંદીલ ધૂમ મચાવી રહ્યા છે. આ વખતે બજારમાં 30થી 250 ફૂટની લંબાઈની લાઇટિંગ સિરીઝ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.50થી લઈ રૂ.2500 સુધીની છે. જીએસટી ઘટતા નાની સિરીઝમાં રૂ.40 તો મોટી સિરીઝમાં રૂ.60નો ઘટાડો થયો છે.
આ વર્ષે દિવાળીમાં લાઈટિંગમાં પણ અઢળક અવનવી વેરાયટીઓ આવી છે. લાઇટિંગમાં એલઈડી, દિવાવાળી, ફટાકડા તેમજ નિયોન સિરીઝ બજારમાં ધૂમ મચાવી રહી છે. રૂ.50થી લઈ રૂ.2500 સુધીની કિંમતની સિરીઝનું આ વખતે વેચાણ થઈ રહ્યું છે. જીએસટી ઘટવાના કારણે સિરીઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સિરીઝમાં એવરેજ રૂ. 50નો ઘટાડો આવ્યો છે.
દિવાળીમાં આ વખતે ઘરની સાજ સજાવટ માટેની કંદીલની અલગ અલગ પ્રકારની 40થી વધુ વેરાયટી છે. જેમાં એક પણ વસ્તુ ચાઇનાની નથી પરંતુ તમામ કંદીલ ભારતીય બનાવટની છે જે પેપર અને પ્લાસ્ટિકની મદદથી આ બનાવવામાં આવે છે. જેમાં નેટ, ચાદર, બાંધણી, પતંગિયા અને ફૂલની ડિઝાઇનમાં કંદીલ બનાવવામાં આવ્યા છે. રૂ.150થી રૂ.500 સુધીના કંદીલ અહીં ઉપલબ્ધ છે. જેની પણ દિવાળીમાં આ વખતે ખરીદી ખૂબ સારી છે. લોકોનો રિસ્પોન્સ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે.
બીજી તરફ રાજકોટ મનપા દ્વારા ચાલી રહેલા દિવાળી કાર્નિવલે શહેરની રોનકમાં ચાર ચાંદ લગાવ્યા છે. રંગબેરંગી રોશનીથી રેસકોર્સ રિંગરોડ ઝળહળી ઉઠ્યો છે. સાંજ પડે ને લોકો દિવાળી કાર્નિવલની મજા માણવા રેસકોર્સ રિંગ રોડ પર ઉમટી પડે છે. ડીજેના થનગનાટ સાથે લોકો ઝુમી ઉઠે છે. તેમજ શહેરના ચોકે ચોકે અને ઊંચી બિલ્ડિંગો તેમજ ઘરોને લોકોએ રંગબેરંગી રોશનીથી શણગારી દીધા છે.
રાજકોટની સાથોસાથ અમદાવાદ, ગાંધીનગર, જામનગર, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોથી લઈ ગામડાઓ સુધી દિવાળીની ઉજવણીને લઈને બજારોમાં ખીલી ઉઠી છે. લોકો કપડા, મુખવાસ, મિઠાઈ, મુખવાસ, ફટાકડા સહિતની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે. આજે મોટાભાગના લોકો પોતાની ખરીદી કરી લેશે અને બેસતા વર્ષની રંગેચંગે ઉજવણી કરશે.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે દ્વારકા અને શામળાજીમાં ભક્તિ અને રોશનીનો સંગમ જોવા મળ્યો હતો. મંદિરોને રંગબેરંગી લાઇટ્સ અને ખાસ દીપમાળાથી શણગારવામાં આવતાં અહીં પ્રકાશપર્વનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ ગઈકાલે 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઉઠયું હતું. જેનો અલૌકિક નજારો સામે આવ્યો હતો.
વેપારીઓએ ચોપડા પૂજન કર્યું
આજે દિવાળીનો તહેવાર છે ત્યારે ગુજરાતભરમાં મોટી કંપનીઓથી માંડીને નાની-મોટી દરેક ઓફિસોમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ખાસ મુહૂર્તમાં મા લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સવારે 8.30થી 11 વાગ્યા સુધી વૈદિક ચોપડાપૂજન વિધિ યોજાઈ હતી. જેમાં વિદ્વાન સંતો દ્વારા વેદોક્તવિધિ પૂર્વક ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. આ પ્રસંગે અપૂર્વમુનિ સ્વામીએ હરિભક્તોને સફળ બિઝનેસમેન બનવા માટેનું સફળતાના સોનેરી સિદ્ધાંતો પર પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેમજ સાંજે 7 વાગ્યે મંદિરમાં ત્રણ હજાર દીવડાઓ પ્રગટાવી દીપોત્સવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકાધીશ મંદિરને ભવ્ય શણગાર
દિવાળી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી લાઈટોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. મંદિરના શિખરથી લઈને પરિસર સુધી રંગબેરંગી રોશની કરવામાં આવતાં મંદિર ઝગમગી ઉઠ્યું છે. આ સજાવટને કારણે સમગ્ર દ્વારકાધામ પ્રકાશમય બની ગયું છે. દ્વારકા આસપાસની ત્રિજયાના 10 કિમી દૂરથી જગતમંદિર રંગબેરંગી ડેકોરેટીવ લાઈટની સીરીઝ તથા અન્ય લાઈટીંગથી ઝગમગતું નિહાળી શકાય છે. દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાંથી અને વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે દ્વારકા આવી રહ્યા છે. ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આ દિવ્ય માહોલનો લહાવો લીધો હતો. દિવાળી પર્વ નિમિત્તે દ્વારકાધીશના દર્શન સાથે સમગ્ર દ્વારકાધામ ભક્તિ અને આનંદના વાતાવરણમાં તરબોળ છે.
અક્ષરધામ મંદિર 10,000થી વધુ દીવડાથી ઝગમગી ઉઠ્યું
આ વર્ષે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં 26 ઓક્ટોબર સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક અનુભવ મેળવી શકશે. મંદિર સંસ્થા દ્વારા 33 વર્ષથી જળવાઈ રહેલી પરંપરા મુજબ આ દીપોત્સવમાં ગઈકાલે રાત્રે 10,000થી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડાઓ મંદિરના પરિસર, પ્રાંગણ અને ગુંબજો પર અદ્ભુત રોશની ફેલાવી હતી, જેનાથી આખું અક્ષરધામ પરિસર દેદીપ્યમાન બન્યું હતું. આ પર્વનું મુખ્ય આકર્ષણ 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિ છે. આ મૂર્તિ 108 ગૌમુખમાંથી વહેતી જલધારાઓ વચ્ચે સ્થાપિત છે. અન્ય આકર્ષણોમાં 'ગ્લો ગાર્ડન' અને 'નીલકંઠ વાટિકા'નો સમાવેશ થાય છે.
રોશનીથી શામળાજી મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું
અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર આ વખતે તેની વિશેષ રોશનીથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર મંદિર પરિસરને વોમવ્હાઇટ લાઇટ્સથી એવી રીતે સજાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે પણ અહીં જાણે દિવસ જેવો નજારો ઊભો થયો હતો. આ રોશનીએ મંદિરની પ્રાચીન સ્થાપત્યકલાને વધુ ભવ્ય બનાવી દીધી હતી. શામળાજી મંદિરને દિવાળીના તહેવારોમાં વિશેષ રીતે શણગારીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. શામળાજી મંદિરનો રાત્રિનો નજારો અત્યંત નયનરમ્ય અને આહલાદક જોવા મળ્યો હતો. મંદિર પરિસરને રંગબેરંગી લાઇટિંગથી ઝગમગાવવામાં આવ્યું છે. આ વખતે ખાસ કરીને વોર્મ વ્હાઇટ લાઇટિંગ ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રાત્રિના સમયે પણ મંદિર પર દિવસ જેવો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.