જે પરિવારના ઘરમાં ખુશીઓ અને સપનાઓ ગૂંજતા હોય, તે જ ઘરમાં અચાનક એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઊઠે ત્યારે આખું રાજકોટ સ્તબ્ધ થઈ જાય. શહેરના પોશ ગણાતા સાધુવાસવાણી રોડ વિસ્તારમાંથી એક એવી કાળજું કંપાવી દેનારી અને હૃદયદ્રાવક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેણે દરેક નાગરિકની આંખમાં આસુ લાવી દીધા છે. આર્થિક મજબૂરી અને ભૂતકાળના આઘાતો વચ્ચે ઘેરાયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવનલીલા સંકેલી લીધી છે.
રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા ખખ્ખર પરિવારે આત્યંતિક પગલું ભરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના મોભી, તેમના પત્ની અને યુવાન પુત્રએ એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ૧૦૮ મારફતે ત્રણેયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન પહેલાં માતા અને ત્યારબાદ પિતા તથા પુત્ર એમ ત્રણેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
સાંજે ૫ વાગ્યે સેલફોસની ગોળીઓ ખાધી
મળતી માહિતી મુજબ, અજંતા પાર્કમાં રહેતા દિલીપભાઈ ખખ્ખર (ઉં.વ. ૭૩), તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર (ઉં.વ. ૬૫) અને નાનો અપરિણિત પુત્ર નિશિત ખખ્ખર (ઉં.વ. ૩૨) એ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરમાં એકસાથે સેલફોસ (અનાજમાં રાખવાની ઝેરી ગોળીઓ) ખાઈ લીધી હતી.
હોસ્પિટલમાં કરુણ અંત
તબિયત લથડતાં આસપાસના લોકોની મદદથી ૧૦૮ મારફતે ત્રણેયને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર સ્થિતિ વચ્ચે સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતાબેનનું મોત થયું હતું. ત્યારપછી જીવન-મરણ વચ્ચે ઝૂલા ખાતા દિલીપભાઈ અને પુત્ર નિશિતે પણ ટૂંકી સારવારના અંતે અંતિમ શ્વાસ લીધા હતા.
આર્થિક તંગી અને ૨૦૧૮ માં મોટા દીકરાના મોજનો આઘાત
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે હોસ્પિટલ પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દિલીપભાઈ ખખ્ખર PWD (માર્ગ અને મકાન વિભાગ) માં ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો હતા, પરંતુ વર્ષ ૨૦૧૮ માં તેમના મોટા દીકરાનું અકાળે અવસાન થયું હતું. જે આઘાતમાંથી પરિવાર ક્યારેય સંપૂર્ણપણે બહાર આવી શક્યો નહોતો.
આર્થિક મજબૂરી
પ્રાથમિક તપાસ અને પોલીસ નિવેદનમાં સામે આવ્યું છે કે પરિવાર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક સંકળામણ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, જેનાથી કંટાળીને તેમણે આ આત્યંતિક કદમ ઉઠાવ્યું હોવાનું અનુમાન છે.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ લંબાવી
એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના મોતથી પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુનિવર્સિટી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના નજીકના સંબંધીઓ અને પડોશીઓના નિવેદન નોંધીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.