રાજકોટ શહેરમાં કોઠારીયામાં રિંગરોડ પર આવેલ સહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં વિકરાળ આગ લાગી હતી. ચામુંડા કલર કોટિંગ નામના કારખાનામાં આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,ગઈકાલે સાંજે સાગરભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરી આગની જાણ કરવામાં આવી હતી. આગની આ ઘટનાને લઇ કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ બેડીપરા ફાયર સ્ટેશનની ટીમને પણ વોટર બાઉઝર સાથે મદદ માટે બોલાવવામાં આવી હતી.
જ્યારે ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બિલ્ડિંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારખાનામાં રાખેલા કલરના ડબ્બા, થિનરના ડબ્બા, ફર્નિચર અને ઈલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગયા હતા. આગની તીવ્રતા એટલી વધારે હતી કે અંદર રાખેલા કલર અને થિનરના ડબ્બાઓ ધડાકાભેર તૂટવા લાગ્યા હતા.
કારખાનાના પાછળના ભાગમાં અને પાછળની ગલીમાં આવેલા નેવેરામાં પણ આગ પ્રસરી ગઈ હોવાથી સ્થિતિ વધુ વણસી હતી. ફાયર ફાઈટરોએ તરત જ કામગીરી શરૂ કરી હતી. ટેરેસ પરથી તેમજ બીજી ડિલિવરી લાઈન ચાલુ કરી ફેક્ટરીની અંદરની બાજુથી ભીષણ આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આશરે દોઢ કલાકની સતત કામગીરી બાદ ફાયર વિભાગની ટીમોએ આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી અને આસપાસની અન્ય ફેક્ટરીઓમાં આગ વધતી અટકાવી હતી.
કારખાનાના માલિક લાલજીભાઈ ઘનશ્યામભાઈ ચાવડાના જણાવ્યા મુજબ, આગ લાગવાના કારણે ફેક્ટરીમાં રહેલ કલર અને થિનરના ડબ્બા, ફર્નિચર, ઈલેક્ટ્રિક વાયરિંગ તેમજ અન્ય મશીનરી અને સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. આગના કારણે બિલ્ડિંગની દીવાલોને ભારે નુકસાન થયું છે તેમજ ગ્રાઉન્ડ ફ્લોરનું પતરાનું છાપરું પણ નીચે તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં અંદાજે ૨ લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જ્યારે ફાયર ટીમની સતર્કતાને કારણે અંદાજે ૩ લાખની કિંમતનો અન્ય માલસામાન બચાવી લેવામાં સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માલિક દ્વારા જણાવાયું છે. ફેક્ટરીમાં સ્ટીલ, મેટલ અને એલ્યુમિનિયમ વગેરે પ્રોડક્શન ઉપર કલર કરવાની કામગીરી થતી હતી.
આ બચાવ કામગીરીમાં કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પી.પી. ચુડાસમા, લીડિંગ ફાયરમેન અનિલભાઈ અને જયસુખભાઈ, ફાયર ઓપરેટર જુબેરભાઈ, વિક્રમભાઈ, ગોવિંદભાઈ, ભુવનેશભાઈ, યોગેશભાઈ, ડ્રાઈવર અમૃતભાઈ, પ્રતાપભાઈ અને જાગીરગિરીએ ફરજ બજાવી હતી. જ્યારે બેડીપરા ફાયર સ્ટેશનની ટીમ પણ સાથે રહી હતી.