રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક દિનની સવારમાં જ એક ભીષણ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. શહેરના કુબલિયાપરા વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગાટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર ફાઈટરના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. સાંકડા રસ્તાઓ અને ઝૂપડાઓની નજીકતાના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અનેક ઝૂપડા આગની ચપેટમાં
આ આગમાં ઝૂપડપટ્ટીના અનેક ઝૂપડા આગની ચપેટમાં આવી જતા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં ઘરવખરી, કપડાં, દસ્તાવેજો સહિતનો સામાન નષ્ટ થઈ ગયો છે. ગરીબ પરિવારો માટે આ આગ માથે પડેલા પર પાટાં સમાન સાબિત થઈ છે. ઘણા લોકો ઘર વિહોણા બન્યા હોવાનું પ્રાથમિક તારણ છે.

જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી
સદભાગ્યે અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ આર્થિક નુકસાન ભારે હોવાનું અનુમાન છે. સ્થાનિક લોકો દ્વારા એકબીજાની મદદ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.