રાજકોટના હરિપર પાળ વિસ્તાર નજીક એક ગંભીર અકસ્માત ટળી ગયો હતો, જ્યાં કામદાર કોલેજની વિદ્યાર્થીઓથી ભરેલી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે આ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા ત્યારે અચાનક તેમાં કોઈ ટેકનિકલ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાની સાથે જ ડ્રાઈવર દ્વારા સમજદારી વાપરીને બસને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.
વિદ્યાર્થીઓનો સુરક્ષિત બચાવ
આ ઘટના બની ત્યારે બસની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સવાર હતા. અચાનક આગ લાગવાની આ ઘટનાથી બસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ડ્રાઈવર અને કંડક્ટરની સતર્કતા તેમજ આસપાસના લોકોની મદદથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અને સહીસલામત રીતે બસની બહાર નીકાળી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થી કે સ્ટાફને ઇજા પહોંચી ન હતી અને સૌનો આબાદ બચાવ થયો હતો.
બસમાં આગ લાગવાની આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.