BREAKING NEWS

અમદાવાદમાં કોમ્લેક્સમાં લાગી ભીષણ આગ, અનેક દુકાનો-વાહનો ખાક, જિમમાં ફસાયેલા 30 લોકોનું દિલધડક રેસ્ક્યુ

  • April 27, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત શ્યામલ ચાર રસ્તા પાસે આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાંગરીલા-2 આર્કેડ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી આ આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. સદનસીબે, ફાયરબ્રિગેડની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે અને જિમમાં ફસાયેલા અંદાજે 30 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 20 ફાયર ફાઈટર અને 50 જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.


આગની ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, શાંગરીલા-2 આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેન્કના એટીએમ સેક્શનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જ્વાળાઓ બહાર પાર્ક કરેલા વાહનો તેમજ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી લાગેલી આ આગ ઉપરના માળે આવેલા 'એચઆર ફિટનેસ' નામના જિમ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે ત્યાં કસરત કરી રહેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.


જ્યારે આગ લાગી ત્યારે જિમમાં 25થી 30 જેટલા યુવક-યુવતીઓ હાજર હતા. આગના ધુમાડાના ગોટા સીડીઓ સુધી પ્રસરી જતાં લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ અને 50 જેટલા અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ લેડર (સીડી) અને અન્ય સાધનોની મદદથી જિમમાં ફસાયેલા તમામ લોકોને સહી-સલામત નીચે ઉતારી લીધા હતા. સમયસરના રેસ્ક્યુને કારણે કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.


આગની ઘટનાને નજરે જોનારે જણાવ્યું કે, અમે જ્યારે ઓફિસ પહોંચી અને અમારું વાહન પાર્કિંગમાં મૂકવા જતા હતા, ત્યારે જ અમે એટીએમ પાસે આગ જોઈ હતી. અમે તાત્કાલિક સાઈડમાં જઈને મારી ઓફિસના લોકોને જાણ કરી હતી. જોતજોતામાં તો આગ એટલી વધી ગઈ કે પાર્કિંગમાં પડેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. લોકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ કરી મૂકી હતી.


આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ તકેદારીના ભાગરૂપે શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જતો મુખ્ય માર્ગ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. શાંગરીલા-2 આર્કેડને સંપૂર્ણ ખાલી કરાવી દેવાયું હતું અને હાલ પૂરતું આખું કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા હવે આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરી રહી છે. આ ઘટનાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો અને ઈમરજન્સી એક્ઝિટની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application