BREAKING NEWS

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગઃ 15 માળ સુધી ધુમાડાના ગોટેગોટા, રહીશોમાં અફરાતફરી મચી

  • March 26, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં વિકસી રહેલા શેલા વિસ્તારમાં આજે સવારના સમયે એક ગંભીર આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલા જાણીતા રહેણાંક પ્રોજેક્ટ 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ' નામના બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગનો ધૂમાડો 15 માળ સુધી ફેલાયો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, આજે 26 માર્ચ, 2026ના રોજ સવારે અંદાજે આઠ વાગ્યાની આસપાસ સ્કાયસિટી રિવેરા ઇલાઇટના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ જોતજોતામાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. બિલ્ડિંગના 15મા માળ સુધી ધુમાડાના ગોટેગોટા પહોંચી જતાં રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ સી-બ્લોકના રહીશો જીવ બચાવવા માટે તાત્કાલિક સીડીઓ વાટે નીચે ઉતરી આવ્યા હતા.


ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ ગઈ હતી. શરૂઆતમાં બેથી ત્રણ ગાડીઓ મોકલવામાં આવી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે વધુ કાફલો રવાના કરવામાં આવ્યો હતો. કુલ 12 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


આ ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને આઠથી દસ મુખ્ય વાહનોએ સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આગ ત્રીજા માળથી ચોથા માળના ભાગ સુધી પહોંચી હતી, પરંતુ સમયસરની કામગીરીથી તેને ઓલવી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી, જે રાહતના સમાચાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application