સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં બોઇલર ફાટતા અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ફાયર સ્ટેશનની આઠથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી કલાકો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બોઇલર ફાટતા અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કારખાનામાં કામ કરતા શ્રમિક રહેમાને જણાવ્યું હતું કે, હું અહીં અંદર કામ કરું છું. અંદર આગ લાગી હતી, ત્યારે હું ત્રણ રસ્તા પાસે ચા પીતો હતો. મને ખબર પડી એટલે મેં આવીને જોયું. અંદર ચારથી પાંચ લોકો દાઝ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કેટલાક લોકોને 108માં લઈ ગયા હતા. ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. અહીં અંદર પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ થાય છે.
સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે, ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગ્યાનો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના, માન દરવાજા અને ડિંડોલી-ડુંભાલથી ગાડીઓ રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા માળે આગ ફેલાયેલી હતી.