BREAKING NEWS

જામનગર જિલ્લામાં ગઇકાલે મેઘરાજાનો મુકામ: વરસાદને કારણે ખેલૈયાઓ નિરાશ

  • October 03, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે મેઘસવારી અવિરત ચાલુ રહી છે, અને ગઈકાલે રાત્રે પણ સમગ્ર જિલ્લામાં અડધાથી પોણાબે ઇંચ વરસાદ પડી જતાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં મેઘરાજાનું વિઘ્ન અવિરત ચાલુ રહ્યું છે અને દાંડિયા ખેલૈયાઓની નિરાશા જનક પુર્ણાહુતી થઈ છે. જો કે કેટલાક દાંડિયા ખેલૈયાઓએ વધારાના દિવસોમાં દાંડિયા રાસના કાર્યક્રમો યોજીને પુર્ણાહુતી કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. એકંદરે નવરાત્રીના છેલ્લા પાંચ દિવસો દરમિયાન રાત્રિના સમયે પડી રહેલા વરસાદના કારણે દાંડિયા મહોત્સવ ની રંગત આ વખતે સાવ ફીકી બની હતી અને દાંડિયારાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી છે.


જામનગર શહેરમાં આ વખતે નવરાત્રીમાં ખાસ કંઇ જોરદાર જમાવટ થઇ નથી, પ્રથમ બે દિવસે લોકો પણ ઓછા આવ્યા હતાં, માંડ-માંડ નવરાત્રી સેટ થયા બાદ લગભગ ચારેક દિવસ વરસાદી વાતાવરણ અને વરસાદને મોટાભાગની અર્વાચીન ગરબીઓ બંધ રહી હતી જેને કારણે આયોજકોને ભારે આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. લગભગ ૨૦ જેટલા સ્થળોએ અર્વાચીન ગરબી યોજાઇ હતી, વરસાદી વાતાવરણ અને ત્યારબાદ મેદાનમાં પાણી ભરાવાથી કીચડ હોવાના કારણે આ નવરાત્રીમાં ખેલૈયાઓ લગભગ ચારેક દિવસ રમી શકયા ન હતાં.


જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, ભાટીયા, રાવલ, ફલ્લા, ઓખા સહિતના ગામોમાં પણ ત્રણ-ચાર દિવસ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ બંધ રહી હતી, આ વખતે એક નોરતુ વધારે હતું, અર્વાચીન ગરબીમાં ખેલૈયાઓને એમ હતું કે, આ વખતે એક દિવસ વધુ રમવા મળશે, પરંતુ ખેલૈયાઓની મનની મનમાં રહી ગઇ અને બે-ત્રણ આયોજન સિવાય લગભગ ચારેક દિવસ નવરાત્રી બંધ રહી હતી. 
​​​​​​​

ગઇકાલે મોટાભાગની ગરબીઓ બંધ થઇ ગઇ છે, હવે શરદપૂનમ મંગળવારે કેટલીક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો દ્વારા શરદપૂનમના રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જો વરસાદ નહીં હોય તો આ દિવસે દાંડીયાની રમઝટ બોલશે, હવે ખેલૈયાઓને માત્ર એક શરદપૂનમની આશા છે, જો કે જામનગરમાં આજે, આવતીકાલે અને રવિવારે કેટલાક સ્થળોએ દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ સફળતાનો સમગ્ર આધાર મેઘરાજા ઉપર છે તેમ કહીએ તો ખોટુ નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application