વરસાદનો ધોરી અષાઢ મહિનાના અંતિમ તબક્કામાં ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ચોમાસાની ગતિવિધિ ફરી મંદ પડી છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તમામ તાલુકાઓ કોરાધાકોર રહ્યા હતા અને આજે સવારે પણ પ્રદેશમાં ક્યાંય વરસાદ નોંધાયો નહોતો. બીજી તરફ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માત્ર 27 તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ મહીસાગરના લુણાવાડા સહિત રાજ્યના 18 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાતા રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિ મર્યાદિત રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
ભારત સરકારના હવામાન વિભાગના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર દ્વારા તા. 28 જુલાઈની રાત્રે જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા વેધર બુલેટિન મુજબ ઉત્તર આંતરિક ઓડિશા, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળ ઉપર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં પશ્ચિમ ભારતમાં ચોમાસાની ગતિવિધિ ફરી વેગ પકડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને કલાકના 40થી 50 કિમી, ક્યારેક 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે હાલમાં વરસાદમાં જોવા મળેલો વિરામ અસ્થાયી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતાં ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને જુલાઈના અંતિમ દિવસોથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું ફરી સક્રિય બનવાની શક્યતા છે. તેથી ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને હવામાન વિભાગની આગાહીઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.