BREAKING NEWS

સાવધાન! 15 મે સુધી ગુજરાતમાં પડશે માથું ફાડી નાખે તેવી ગરમી: પારો 44 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી

  • May 09, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાના વિરામ બાદ હવે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે અને આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ પણ વધવાની સંભાવના છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી એક અઠવાડિયા દરમિયાન અસહ્ય ગરમી પડવાની શક્યતા છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને રવિવારથી રાજ્યમાં ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા અમદાવાદમાં આજે ગરમીનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે એટલે કે રવિવારે ગરમીનો પારો વધતા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. 


હવામાન વિભાગે આજે ૯ મેના રોજ ખાસ કરીને કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હીટવેવને લઈને યલો એલર્ટ જારી કર્યું છે, અને લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, આજે સૌથી વધુ ગરમીનું કેન્દ્ર સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ શહેર રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઉચકાશે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી, અમરેલીમાં ૪૩ ડિગ્રી, વડોદરા, ભૂજ અને ડીસામાં ૪૨ ડિગ્રી, ભાવનગરમાં ૪૧ ડિગ્રી અને સુરતમાં ૩૯ ડિગ્રી તાપમાન રહેવાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ૧૫ મે સુધી હીટવેવની પ્રબળ અસર જોવા મળશે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં પણ ૯ થી ૧૫ મે દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે.


હીટવેવની અસરને પગલે ૧૦ મેના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જેવા કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ઝડપ ૧૫ થી ૨૦ નોટ્સ સુધીની છે અને ક્યાંક તે વધીને ૨૫ નોટ્સ સુધી પહોંચી શકે છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે લૂ લાગવાની શક્યતા વધી જાય છે, તેથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ૧૫ મે સુધી આ જ પ્રકારે આકરો તાપ પડવાની શક્યતા હોવાથી નાગરિકોએ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અને ગરમીથી બચવાના તમામ ઉપાયો કરવા અનિવાર્ય બન્યું છે. આમ, માવઠાના વાતાવરણ બાદ હવે ગુજરાતના લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application