દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. તે 4 જૂને કેરળના દરિયાકાંઠે પહોંચ્યો હતું અને 48 કલાકમાં સાત રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. શનિવારે, ચોમાસાએ મણિપુર અને મિઝોરમમાં એન્ટ્રી કરી હતી. વધુમાં, ચોમાસાની અસરો આંધ્રપ્રદેશ અને ગોવામાં પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાની જલ્દી પધારણી થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. જો કે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં જ લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા બંધાઈ છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ વગેરે) તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં (ડાંગ, તાપી, નવસારી, વલસાડ) આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ યથાવત્ રહેશે. અગાઉના દિવસોમાં આપવામાં આવેલી 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડાની ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે. જોકે, પ્રી-મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે.