સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળાની ગરમી હજુ યથાવત છે. સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી નોંધાયું હતું. સવારે 8:30 વાગ્યે તાપમાન 30.8 ડિગ્રી, ભેજ 75% અને પવનની ગતિ 12 કિ.મી./કલાક રહી હતી, જેના કારણે દિવસભર ઉકળાટ અને બફારો અનુભવાયો હતો.
રાજ્યના હવામાનના આંકડા મુજબ અમદાવાદ 41.3 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. ત્યારબાદ ગાંધીનગર 40.7, રાજકોટ 40.6, સુરેન્દ્રનગર 40.4, અમરેલી 40.1, કંડલા 39.5, વડોદરા 39.4, ડીસા 39.2, ભાવનગર 39, ભુજ 38 અને નલીયામાં 35.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આજથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ગાજવીજ, વીજચમકારા અને 40-50 કિ.મી.ની ઝડપે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. તેના કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રાજકોટમાં આજે મહત્તમ 40 અને લઘુત્તમ 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે.
નૈઋત્યના ચોમાસા વિષે મોટું અપડેટ
હવામાન વિભાગ મુજબ, ચોમાસું 16 મેના રોજ આંદામાન પહોંચી ગયું હતું અને હાલ કેરળ પહોંચ્યા બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. જોકે અન્ય એક અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું 20 જૂન પછી બેસે તેવી પણ શક્યતા છે.
બપોરે 12થી 4 દરમિયાન તડકામાં કામ ટાળવું, પૂરતું પાણી પીવું. ગાજવીજ વખતે ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું. ખેડૂતોને વાવણી માટે ચોમાસાના સત્તાવાર આગમનની રાહ જોવા ની સલાહ છે.