BREAKING NEWS

'જય ગિરનારી'ના નાદથી ગુંજી ઉઠ્યો ગિરનાર: 36 કિમીના રૂટ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ, પડાવો ભરચક્કઃ જુઓ તસવીરો

  • November 22, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ખાતે યોજાતી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. પરિક્રમાના બીજા દિવસે 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર હૈયે હૈયું દળાય તેટલી અફાટ ભીડ જોવા મળી હતી અને તમામ પડાવો યાત્રિકોથી ભરચક્ક રહ્યા હતા. રસ્તા પર પગ મૂકવાની પણ જગ્યા ન રહી હોય તેવી સ્થિતિ વચ્ચે મોડી સાંજ સુધીમાં 3 લાખથી વધુ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી, જ્યારે હજુ પણ રૂટ પર અઢીથી ત્રણ લાખ જેટલા ભાવિકો હોવાનો અંદાજ છે.


વિધિવત પ્રારંભ બાદ તમામ પડાવો પર ભારે ભીડ

પરિક્રમા માટે ગેટ વહેલી સવારથી જ ખોલી નાખવામાં આવ્યો હતો, જ્યારે રાત્રિના 12 વાગ્યે સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ સાથે પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ પરિક્રમા રૂટ પર ઉમટી પડ્યો હતો. જીણાબાવાની મઢી, સરકડીયા, માળવેલા, નળપાણીની ઘોડી અને બોરદેવી સહિતના તમામ પડાવો યાત્રિકોથી ઉભરાઈ ગયા હતા અને સમગ્ર જંગલ વિસ્તાર માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યો હતો.


અન્નક્ષેત્રોમાં પ્રસાદ અને વન ભોજન સાથે જંગલમાં મંગલ

36 કિલોમીટરના દુર્ગમ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર રૂટ પર મોટાભાગના સ્થળોએ પગ મૂકી શકાય તેટલી પણ જગ્યા રહી ન હતી. યાત્રિકોની સેવા માટે ધમધમતા અન્નક્ષેત્રોમાં બપોરે હજારો ભાવિકોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત, પોતાની સાથે કાચું સીધું લઈને આવેલા શ્રદ્ધાળુઓએ જંગલમાં જ ચૂલા માંડીને જાતે રસોઈ બનાવી વન ભોજનનો અનેરો આનંદ માણ્યો હતો. ભજન, ભોજન અને ભક્તિના આ અદભૂત ત્રિવેણી સંગમને કારણે હાલ ગિરનારના જંગલમાં મંગલમય માહોલ છવાયો છે.


નળપાણીની ઘોડી પર 3 લાખથી વધુ યાત્રિકોની નોંધણી

વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી ખાતે શરૂ કરવામાં આવેલા ગણતરી પોઈન્ટ પર મોડી સાંજ સુધીમાં 3 લાખથી વધુ યાત્રિકોની નોંધણી થઈ ચૂકી હતી અને રાત સુધીમાં આ આંકડો વધુ ઉપર ગયો હતો. જેમાંથી 2 લાખથી વધુ યાત્રિકોએ પોતાની પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભવનાથ તળેટી ખાતે પરત ફર્યા હતા અને મોટાભાગના યાત્રિકો પોતાના વતન જવા માટે રવાના પણ થઈ ગયા હતા. પ્રવેશદ્વાર પરથી હજુ પણ યાત્રિકોનો પ્રવાહ ધીમી ગતિએ વહેતો રહ્યો છે, જોકે પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરનારા યાત્રિકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.


વીકેન્ડની રજાને પગલે અવિરત પ્રવાહ, પરિક્રમા વહેલી પૂર્ણ થવાની શક્યતા

વન વિભાગના આંકડા મુજબ, હજુ પણ અંદાજે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મઢી, માળવેલા, સરકડીયા સહિતના રૂટ અને વિવિધ પડાવો પર રોકાયેલા છે. શનિવાર અને રવિવારની રજાઓ હોવાના કારણે પરિક્રમાર્થીઓનો પ્રવાહ સતત રૂટ પર વહેતો રહ્યો હતો. આયોજકો અને તંત્રના અંદાજ મુજબ, રવિવાર સાંજ સુધીમાં જીણાબાવાની મઢી ખાલી થઈ જશે અને તમામ ભાવિકો અંતિમ પડાવ બોરદેવી ખાતે પહોંચી જશે. ત્યારબાદ સોમવાર સવાર સુધીમાં આ તમામ યાત્રિકો તળેટીમાં પરત ફરી જશે, જેથી દોઢ દિવસ વહેલી શરૂ થયેલી આ વર્ષની પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application