BREAKING NEWS

સુરતના માતા-પુત્રીની ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, બંનેના ગળામાં સાડી લપેટેલી હતી

  • September 03, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર ૨૨૭માંથી માતા અને પુત્રીના રહસ્યમય અને કરુણ સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય જાશાબેન અને તેમની ૧૯ વર્ષીય પુત્રી મુસ્કાન તરીકે થઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બંને મૃતકોના ગળામાં સાડી લપેટેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે ઘરમાંથી બંનેના મોબાઈલ ફોન પણ ગાયબ મળી આવ્યા છે. પૂણા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


મૃતક મહિલાના પુત્ર આનંદ શ્રીવાસ્તવે પોતાના જ ગામના અને છેલ્લા દોઢ વર્ષથી તેમના પરિવાર સાથે જ રહેતા હિમાંશુ સિંહ નામના યુવક પર માતા અને બહેનની ઘાતકી હત્યાનો સીધો આરોપ લગાવ્યો છે. બનાવ બાદથી જ શંકાસ્પદ યુવક હિમાંશુ ફરાર થઈ ગયો હોવાથી પોલીસની વિવિધ ટીમો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મૂળ ઉત્તર પ્રદેશનો આ પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો, જેમાં પિતા અવધેશ શ્રીવાસ્તવ હીરાની સરણ માંજવાનું કામ કરે છે અને પુત્ર ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે.


ઘટનાની વિગતો આપતાં પુત્ર આનંદે જણાવ્યું હતું કે બીજી સપ્ટેમ્બરના રોજ છઠ પૂજાનો પવિત્ર તહેવાર હોવાથી પૂજન સામગ્રી લાવ્યા બાદ પરિવારના પુરુષ સભ્યો પોતપોતાના કામે નીકળ્યા હતા. પિતા હીરાના કામે ગયા હતા, જ્યારે આનંદને ડબલ શિફ્ટ હોવાથી તે નોકરી પર જ રોકાઈ ગયો હતો. આ ઉપરાંત, ધોરણ ૭માં અભ્યાસ કરતા બે જોડિયા નાના ભાઈઓ આદિત્ય અને અંશ પણ શાળાએ ગયા હતા. ઘરમાં માત્ર માતા જાશાબેન અને બહેન મુસ્કાન જ એકલાં હાજર હતાં, જે તકનો લાભ ઉઠાવીને આ ઘાતકી હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application