મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર અને કોંકણ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા ચોધાર આંસુએ વરસી રહ્યા છે. શનિવાર, ૪ જુલાઈના રોજ તો મુંબઈનું આભ જાણે ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને મધ્યરાત્રિથી શરૂ થયેલો ગાંડોતૂર વરસાદ દિવસભર અવિરત ચાલુ રહ્યો હતો. તળ મુંબઈ, પૂર્વ અને પશ્ચિમના પરાં વિસ્તારો ઉપરાંત નજીકના મીરા રોડ, વસઈ, વિરારથી લઈને થાણે અને પાલઘર સુધીના વિશાળ પરિસરમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા જેવા માહોલ અને અનરાધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
વર્ષ ૨૦૨૬ના ચોમાસાના આગમનની વાત કરીએ તો, કેરળના સમુદ્ર કિનારે કુદરતી સમયપત્રક કરતાં ત્રણ દિવસના વિલંબ સાથે ૪ જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી. ત્યારબાદ મુંબઈના આંગણે પણ તેની નિયમિત તારીખ ૧૦ જૂનના બદલે ૧૩ દિવસના મોટા વિલંબ સાથે ૨૩ જૂને ચોમાસું પહોંચ્યું હતું. જોકે, આગમન બાદ પણ શરૂઆતમાં વરસાદી માહોલ ન જામતા મુંબઈગરાઓમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. પરંતુ ૩૦ જૂનની રાતથી જ વર્ષા ઋતુના તમામ કુદરતી પરિબળો પૂરી તાકાત સાથે સક્રિય થઈ જતાં મુંબઈ અને આખા કોંકણ પંથકને મેઘરાજાએ રસતરબોળ કરી દીધું છે.
જળાશયોમાં નવા નીર અને વરસાદના રૌદ્ર આંકડા
ભારે વરસાદના કારણે ખાસ કરીને મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત વિશાળ જળાશયોના કેચમેન્ટ (સ્રાવ) વિસ્તારમાં પણ ભરપૂર પાણી વરસી રહ્યું છે, જેના લીધે જળાશયોમાં નવા વરસાદી નીરની આવકમાં મોટો વધારો નોંધાયો છે જે મુંબઈ માટે મોટી રાહતના સમાચાર છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩ જુલાઈની રાતથી શરૂ થયેલા વરસાદે ૪ જુલાઈએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ૪ જુલાઈની સવારે ૮:૩૦ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકના ટૂંકા ગાળામાં વિક્રોલી વિસ્તારમાં સૌથી વધુ ૧૬૪.૦ મિલિમીટર (૬.૫૬ ઈંચ) જેટલો અતિ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને હવામાનની ભાષામાં 'એક્સ્ટ્રીમ્લી હેવી રેઈન' (અતિ અતિ ભારે વરસાદ) કહેવાય છે. જ્યારે સાંજના ૫:૩૦ વાગ્યા સુધીમાં તો મુંબઈમાં કુલ ૨૦૬.૫ મિલિમીટર (૮.૨૪ ઈંચ) જેટલો અતિ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.
આગામી ૪ દિવસની ભયાનક આગાહી: ૫ જુલાઈએ પણ 'રેડ એલર્ટ'
હવામાન વિભાગના મુંબઈ કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે જણાવ્યું છે કે, મુંબઈમાં આગામી ૫ જુલાઈના રોજ વરસાદની તીવ્રતા હજી પણ વધે તેવા કુદરતી પરિબળો અત્યંત સક્રિય બન્યા છે. જેના કારણે ૫ જુલાઈએ મુંબઈમાં ૨૫૦.૦ થી ૩૦૦.૦ મિલિમીટર જેટલો આભ ફાટે તેવો વરસાદ વરસવાની આશંકા છે, સાથે જ ૫૦-૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. ૫ જુલાઈએ મુંબઈ, થાણે અને પાલઘર માટે 'રેડ એલર્ટ' જ્યારે રાયગઢ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આગામી ૬ જુલાઈએ ઓરેન્જ અને ૭ જુલાઈએ યલો એલર્ટ રહેશે, જ્યારે ૮ જુલાઈ બાદ વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઘટશે. બીજી તરફ નાગપુર કેન્દ્રના સિનિયર વિજ્ઞાની પ્રવીણ કુમારના જણાવ્યા મુજબ, વિદર્ભના અમરાવતી, ભંડારા, નાગપુર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ગોંદિયામાં ૧૭૦ મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદ જામવા પાછળના મુખ્ય કુદરતી પરિબળો
હવામાન નિષ્ણાતોના મતે હાલમાં પશ્ચિમ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા પાછળ ત્રણથી ચાર મોટા કુદરતી પરિબળો એકસાથે કામ કરી રહ્યા છે:
ઓફ્ફ-શોર ટ્રફ: મહારાષ્ટ્રથી લઈને કર્ણાટકના સમુદ્ર કિનારા પર હવાના હળવા દબાણનો એક મોટો પટ્ટો સર્જાયો છે.
લો-પ્રેશર સિસ્ટમ: બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) હિસ્સા પર લો-પ્રેશર કેન્દ્ર સક્રિય થતાં પશ્ચિમ ભારત પર વિપુલ પ્રમાણમાં ભેજ ઠલવાઈ રહ્યો છે.
શિયરઝોનની તીવ્ર અસર: વાતાવરણના ટ્રોપોસ્ફિયર પટ્ટામાં બે વિરુદ્ધ દિશાના ભેજવાળા પવનો ટકરાઈ રહ્યા છે, જેને કારણે મુંબઈ અને ગુજરાત પર વાદળોનો મોટો જમઘટ જામ્યો છે અને નૈઋત્યના ભેજવાળા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે.