BREAKING NEWS

લગ્નની સીઝન વચ્ચે આવતા સપ્તાહથી કાલાવડ રોડ બંધ કરવા મનપાનો નિર્ણય

  • November 25, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકમાં હાલ કેબલ સ્ટેડ આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ અને તેની નીચે ન્યુ રિંગ રોડ ઉપર અન્ડર પાસનું કામ ચાલી રહ્યું છે, હવે આ કામ બરાબર કટારીયા ચોકની મધ્યમાં પહોંચ્યું હોય આગામી સપ્તાહથી કટારીયા ચોકથી આગળ તરફનો કાલાવડ રોડ બંધ કરવા માટે મહાપાલિકા દ્વારા નિર્ણય કરાયો છે, અલબત્ત ક્યા દિવસથી બંધ કરવો તે હજુ નક્કી નથી પરંતુ ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે. હાલ ધૂમ મેરેજ સિઝન વચ્ચે કાલાવડ રોડ બંધ થશે તો ટ્રાફિક સમસ્યા સર્જાશે તેવું જાણકારો માની રહ્યા છે.​​​​​​​


વાહન વ્યવહારને ખાસ કોઇ મુશ્કેલી પડશે નહીં

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મળેલી એક મિટિંગમાં આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા અને પરામર્શના અંતે કટારીયા ચોકથી આગળ તરફ જતો કાલાવડ રોડ બંધ કરવા નિર્ણય કરાયો હતો. ન્યુ રિંગ રોડ ઉપર ગોંડલ ચોકડી તરફ જતા રસ્તાથી શરૂ કરાયેલું અન્ડર પાસનું કામ હવે કટારીયા ચોકની મધ્ય તરફ પહોંચ્યું છે અને ફ્લાય ઓવર બ્રિજનું કામ કટારીયા ચોક સુધી પહોંચવામાં છે આથી પાયલોન માટે ચોક બંધ કરવો પડે તેવા તબક્કે કામ પહોંચ્યું છે .સૂત્રોએ જણાવ્યું હતું કે કટારીયા ચોકમાં બન્ને બ્રિજનું કામ ચાલે ત્યાં સુધી મતલબ કે અંદાજે આગામી ચાર મહિના સુધી કાલાવડ રોડ બંધ રાખવાની વિચારણા છે. અગાઉથી ડાયવર્ઝન રોડ તૈયાર હોય વાહન વ્યવહારને ખાસ કોઇ મુશ્કેલી પડશે નહીં.


૮૦ ટકા પાર્ટી પ્લોટનો ટ્રાફિક અહીંથી પસાર થાય છે

રાજકોટ શહેરના લગભગ ૮૦ ટકા જેટલા પાર્ટી પ્લોટ કાલાવડ રોડ, ન્યૂ રિંગ રોડ, ન્યારી રોડ અને અવધ રોડ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ પાર્ટી પ્લોટનો ટ્રાફિક કટારીયા ચોકમાં થઇને પસાર થાય છે ત્યારે હાલ ૩૧ ડિસેમ્બર સુધીની મેરેજ સિઝનમાં જો કટારીયા ચોક બંધ થશે ભયંકર ટ્રાફિક જામ થશે તે નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application