BREAKING NEWS

અમીન માર્ગની બેંકના મિલકત વેરા બિલ વિવાદમાં મહાનગરપાલિકાની જીત

  • September 25, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના અમીન માર્ગ ઉપર ભાડાની દુકાનમાં ચલાવતી કો- ઓપરેટિવ બેન્કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી 70.20 લાખની ટેક્સ આકારણી સામે કરેલી અપીલ ૨૦૨૨માં સિવિલ કોર્ટે રદ કર્યા બાદ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન પણ રદ કરીને રાજકોટ મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં અમીન માર્ગ ઉપર અનંતછાંયા કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરની દુકાન નં. ૧માં કોસમોસ કો-ઓ.બેંક લી. ભાડુત તરીકે જગ્યા વાપરતા હોવાથી રાજકોટ મહાનગરપાલીકાએ આ દુકાનનું રૂા.૭૦,૧૯,૦૮૩/-નું વેરા બિલ કોસમોસ કો-ઓ.બેંક લી.ને આપ્યું હોય, તેની સામે કોસમોસ કો-ઓ.બેંક લી.એ બી.પી.એમ.સી. એકટની કલમ-૪૦૬ તથા ૪૦૭ અન્વયે ટેક્ષ અપીલરાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ કરી હતી. જે ટેક્ષ અપીલ તા. ૦૮/૦૯/૨૦૨૨ના રોજ તે વખતના સિવિલ જજ એચ.એન. દેસાઇએ રદ કરી હતી. સદરહુ ટેક્ષ અપીલના નિર્ણયમાં ભુલ થયેલ છે અને અપીલની સુનાવણી વખતે તેમને સાંભળવાની પૂરતી તક આપવામાં આવેલ નથી તેમ જણાવી તેમજ પ્રોપર્ટી ટેક્સ આકારણી અને રેટેબલ વેલ્યુ નક્કી કરવાની પ્રક્રિયાને પડકાર સાથેની તથા ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના પ્રકરણ ૮ અને નિયમ ૧૫ હેઠળની નોટિસનું પાલન ન થયું હોવાની દલીલો આગળ ધરી કોસમોસ કો-ઓ.બેંકે રિવ્યુ પિટિશન કરી હતી. આ રિવ્યુ પિટિશન સામે મહાનગરપાલિકાના એડવોકેટ અર્જુન પટેલે અરજીને ખર્ચ સાથે કાઢી નાખવા માટે દલીલો કરી હતી. તેમાં અદાલતે રેકર્ડ પરથી નોંધ્યું કે અપીલ દરમિયાન બંને પક્ષોના વકીલોએ પોતાની લેખિત દલીલો રજૂ કરી હતી, તેથી અરજદારને સાંભળવાની પૂરતી તક ન મળી હોવાની વાત માની શકાય તેમ નથી. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જીપીએમસી એક્ટની કલમ ૪૦૬ હેઠળ ટેક્સ અપીલ દાખલ કરતી વખતે કાયદાની જોગવાઈઓનું પાલન થયેલ નથી તે સાબિત કરવાની જવાબદારી સંપૂર્ણપણે અરજદાર/ અપીલકર્તાની જ રહે છે. અપીલ દરમિયાન અરજદાર દ્વારા પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. વધુમાં અદાલતે રિવ્યુના સ્કોપ અંગે કાયદાકીય સિદ્ધાંતને ટાંકીને નોંધ્યું કે રિવ્યુ પિટિશન માત્ર મર્યાદિત કાનૂની આધારો પર જ ટકી શકે છે, જેમ કે રેકર્ડ પર દેખીતી ભૂલ હોય અથવા તો પૂરતી તકેદારી રાખવા છતાં અગાઉ કોઈ નવો અને મહત્વનો પુરાવો રજૂ ન થઈ શક્યો હોય. સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર ૪૭ રૂલ ૧ મુજબ, રિવ્યુ અરજીનો હેતુ મર્યાદિત હોય છે અને તેને છુપી અપીલ તરીકે ચલાવી શકાય નહીં. આ તમામ અવલોકનો અને રેકર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં રાખીને ૯મા એડિશનલ સિનિયર સિવિલ જજ કે.બી. વાઘેલાની અદાલતે સિવિલ કોર્ટના નં. ૦૬/૨૦૧૬ના ચુકાદા સામે કોસમોસ બેન્ક દ્વારા ૨૦૨૪માં દાખલ કરવામાં આવેલી રિવ્યુ અરજી નામંજૂર કરી છે. આ કેસમાં રાજકોટ મ્યુ. કોર્પો.ના એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application