BREAKING NEWS

વડોદરામાં 25 વર્ષે ઝડપાયેલા હત્યાના આરોપીનો પોલીસ કસ્ટડીમાં આપઘાત, પત્નીને સળગાવીને હત્યા કરી'તી

  • January 23, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 25 વર્ષથી ફરાર રહેલા હત્યાના આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. ઉત્તર પ્રદેશથી તાજેતરમાં ઝડપાયેલા 60 વર્ષીય આરોપી નિરાલા પ્રસાદે લોકઅપમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓની દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.


પ્રાપ્ત માહિતી મુજબ, 16 એપ્રિલ 2000ના રોજ વડોદરા-સાવલી રોડ પર અંકિતા સ્ટીલ કંપની નજીક આવેલી ગટરમાંથી એક મહિલાની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ હત્યા નિરાલા પ્રસાદે પોતાની પત્નીની કેમિકલ છાંટી સળગાવીને હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને કોથળામાં ભરી ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ગંભીર ગુના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 25 વર્ષથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો.


વડોદરા પોલીસે લાંબી તપાસ બાદ તાજેતરમાં આરોપી નિરાલા પ્રસાદને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ તેને ભાદરવા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કસ્ટડી દરમિયાન તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ભાદરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીના મૃતદેહને પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી મૃત્યુના ચોક્કસ કારણો અને સમય અંગે સ્પષ્ટતા થઈ શકે. નોંધનીય છે કે વડોદરામાં લોકઅપમાં આપઘાતની આ બીજી ઘટના છે. અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ લોકઅપમાં બંધ એક આરોપીએ આપઘાત કર્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે પોલીસ લોકઅપમાં સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓની દેખરેખ પર ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application