ગઈકાલે ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ મહિલા કોન્સ્ટેબલનું ગળુ દબાવી હત્યા કર્યાનું ખુલ્યું છે. આરોપી અમરેલી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે એક અમરેલીના શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી. શંકાસ્પદ શખસ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા મળતાં પોલીસે ઉઠાવી લઈ ઇન્ટ્રોગેશન કર્યું હતું. મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળ્યો છે, જે બંધ આવી રહ્યો છે. પોલીસ હાલમાં પ્રેમપ્રકરણના એંગલ પર પણ તપાસ ચલાવી રહી છે.
અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી હતી. મૃતકના શરીર પર ઈજાનાં નિશાન મળતાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ હતી.
પાડોશીએ દરવાજો ખોલ્યો તો સ્તબ્ધ થઈ ગયા
મહિલા કોન્સ્ટેબલનાં ભાઈ-ભાભી ભાવનગર ખાતે વતનમાં માતાજીના નેવૈદ્ય કરવા ગયાં હતાં. બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી. પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો, જે ખોલીને પાડોશીએ અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 112 ઇમર્જન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી હતી.