BREAKING NEWS

સાળાઓ રાક્ષસ બની બનેવી પર તૂટી પડ્યા...કુહાડીથી બંને પગ અને હાથની આંગળીઓ કાપી નાખી, કુવાડવાના અરજણસુખમાં કરપીણ હત્યા

  • November 12, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી પંથકમાં હચમચાવતી ઘટના સામે આવી છે અહીં કુકાવાવ પાસેના અરજણસુખ ગામે કૌટુંબિક ભાઈના ઘરે આવેલા સાથે પ્રૌઢ પર તેમના સાળાઓએ કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં કુહાડી વડે પ્રૌઢના બંને પગ કાપી નાખ્યા હતા તથા હાથની આંગળીઓ કાપી નાખી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને પ્રથમ અમરેલી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડતા અહીં તેમનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાની આ હિચકારી ઘટના બાદ પ્રૌઢના પગ થેલીમાં નાખી અહીં લાવ્યા હતા. ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.


પ્રૌઢ પત્નીને છોડી કૌટુંબિક ભાઈના ઘરે ચાલ્યા ગયા હતા

ગોંડલમાં વિજયનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ પત્નીને છોડી કુકાવાવ પાસે અરજણસુખ ગામે કૌટુંબિક ભાઈના ઘરે ચાલ્યા ગયા હતા. દરમિયાન આ વાતની જાણ પ્રૌઢના સાળાને થતા તેમના સાળાઓએ અહીં કુહાડી,પાઇપ સહિતના હથિયારો સાથે ઘસી જઈ બનેવી પર જીવલેણ હુમલો કર્યો હતો.


કુહાડી વડે પ્રૌઢના બંને પગ કાપી નાખ્યા હતા

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં વોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતા દિનેશભાઈ વનાભાઈ સોલંકી (ઉ.વ ૬૦) નામના પ્રૌઢ કુકાવાવ પાસે અરજણસુખ ગામના પાટીયા પાસે તેમના ભાઈ કૌટુંબિક ભાઈ ભરતના ઘરે હતા.દરમિયાન તેનો સાળો કાનજી મેરામ (રહે. ચલાલા), હક્કો ઝીણા (રહે.ગારીયાધાર), બાઘો (રહે. ભેસાણ), યદુરામ મેરામ(રહે.શાપર) અને નાનો મેરામ (રહે. રાજકોટ) થતા અજાણ્યા શખસો અહીં કુહાડી,પાઇપ સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને દિનેશભાઈ પર હુમલો કર્યો હતો. આ શખસોએ એટલો ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો કે કુહાડી વડે પ્રૌઢના બંને પગ કાપી નાખ્યા હતા તેમજ હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી.


સારવાર દરમિયાન પ્રૌઢનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો 

ગંભીર રીતે ઘવાયેલા દેવીપુજક પ્રૌઢને સારવાર માટે પ્રથમ અમરેલી ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.


પહેલા મારી પત્ની રતનને લાવો પછી સમાધાનની વાત કરી

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દિનેશભાઈ સોલંકીને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે તેઓ 9 ભાઈ બહેનના પરિવારમાં વચેટ હતા. દિનેશભાઈ ની પત્નીનું નામ રતનબેન છે. પ્રૌઢ છેલ્લા ઘણા દિવસોથી ઘર છોડી કુકાવાવ પાસે અરજણસુખ ગામે કૌટુંબિક ભાઈ ભરતના ઘરે ચાલ્યા ગયા હતા. જે વાતની જાણ તેમના સાળાઓને થઈ જતા તેઓ અહીં પહોંચ્યા હતા. બાદમાં તેમણે બનેવી સાથે વાતચીત કરી હતી. ત્યારે દિનેશભાઈએ કહ્યું હતું કે પહેલા મારી પત્ની રતનને લાવો પછી સમાધાનની વાત કરીશું. વાતચીત દરમિયાન બોલાચાની થતા ઉશ્કેરાઇ પ્રૌઢ પર તેમના સાળાઓએ હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા નીપજાવી હતી. બનાવ અંગે વડીયા પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવા અને તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application