ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો ગણગણાટ

  • June 16, 2023 02:25 PM 

વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ તમામ નાગરિકો માટે ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને ઉત્તરાધિકાર જેવી અંગત બાબતો માટે કોઈ એક સમાન કાયદો એવો થાય છે.


દેશના વિવિધ રાજ્યોમાં વસતાં નાગરિકો માટે એક સરખો કાયદો હોય એવી બંધારણિય વિભાવના રહી છે. બંધારણની કલમ ૪૪ હેઠળ દેશમાં સમાન કાયદાની હિમાયત થયેલી છે. હાલ દેશભરમાં લગ્ન, છૂટાછેડા, મિલકતના અધિકારો, વારસાઈ, દત્તક લેવાની બાબત, ધર્મસ્થાનના વહીવટ વગેરે બાબતોમાં અલગ અલગ કાયદાકીય જોગવાઈઓ છે. હિન્દુઓ માટે જે કાયદા છે એ મુસ્લિમ સહિતના લઘુમતીઓને લાગુ નથી પડતાં. ક્યારેક તો એક રાજ્યના કાયદા પણ બીજા રાજ્ય કરતાં અલગ અને વિરોધાભાસી છે.આ અરાજકતા ખતમ કરવા માટે અને ખાસ તો ધાર્મિક વિશેષાધિકારો નાબુદ કરવા માટે સમાન નાગરિક ધારાની હિમાયત વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે.


સમાન ધારો લાગુ કરવાની સત્તા રાજ્યોને મળેલી હોય છે. આ ધારો લાગુ કરવાથી દરેક ધર્મના પર્સનલ લો બોર્ડ આપોઆપ નાબુદ થઈ જાય છે. સરકાર દ્વારા રચવામાં આવેલા ૨૨મા કાયદા પંચે સમાન નાગરિક સંહિતા પર સામાન્ય લોકો અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ પાસેથી સૂચન અને અભિપ્રાય મેળવવાનું કાર્ય શરૂ કર્યું છે.
રાજકીય ગલિયારામાં એવી ચર્ચા છે કે આગામી દસ મહિના સુધી સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતાનો મુદ્દો છવાયેલો રહેશે. સવાલ એ છે કે આ મુદ્દે અત્યાર સુધી શું થયું છે? શું કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે?


સમાન નાગરિક સંહિતા એ એક બિનસાંપ્રદાયિક કાયદો છે જે તમામ ધર્મના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. તેના દ્વારા દરેક ધર્મ માટે સમાન કાયદો આવશે. હાલમાં, વિવિધ ધર્મો માટે અલગ-અલગ કાયદા છે, જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ ખતમ થઈ જશે. આમાં મહિલાઓ અને પુરુષોને પણ સમાન અધિકાર મળશે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો પર્સનલ લો ધરાવે છે જ્યારે હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ હિંદુ સિવિલ કોડ હેઠળ આવે છે.


કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર નવેસરથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત લોકો અને ધાર્મિક સંગઠનોના સભ્યો સહિત વિવિધ પક્ષોના મંતવ્યો જાણવામાં આવશે. આ બાબતમાં રસ ધરાવતા લોકો અને અન્ય રસ ધરાવનાર વ્યક્તિઓ નોટિસની તારીખથી ૩૦ દિવસની અંદર કાયદા પંચને તેમના મંતવ્યો રજૂ કરી શકે છે. આમંતવ્ય આવ્યા પછી સરકાર વિસ્તૃત બિલ પસાર કરશે જે કાયદાનું સ્વરૂપ લેશે.


આમ સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિ વિવિધ ધર્મો, સમુદાયો અને નિષ્ણાતો પાસેથી આ અંગે અભિપ્રાય લઈ રહી છે. તેના આધારે આ અંગે કાયદો તૈયાર કરવામાં આવશે. કહેવાય છે કે સરકાર તેને પહેલા રાજ્યોમાં લાગુ કરવા માંગે છે.
એકલા ઉત્તરાખંડમાં જ આ મામલે લગભગ ૨.૫ લાખ સૂચનો મળ્યા હતા. સમિતિએ તેનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત, લગભગ તમામ હિતધારકો સાથે વાતચીત કર્યા પછી, સમિતિ અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠકો કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કમિટી ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આપશે.
આમ તો જનસંઘના સમયથી ભાજપ સરકાર માટે આ મુદ્દો મહત્વનો રહ્યો છે. જનસંઘના નેતાઓએ પણ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારથી આ મામલો ચાલી રહ્યો છે. ૨૦૧૪માં અને ફરીથી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે તેને જોરશોરથી ઉભો કર્યો હતો.પોતાના નવ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. રામ મંદિરનું નિર્માણ હોય કે ટ્રિપલ તલાક પર કાયદો બનાવવાનો મુદ્દો ઈઅઅ-ગછઈ હોય કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની હિલચાલ હોય. આવી સ્થિતિમાં જો ૨૦૨૪માં ભાજપની સરકાર બને છે તો આગળનો નિર્ણય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો હોય તેવી શક્યતા છે. આનો અમલ કરીને કેન્દ્ર સરકાર દેશને મોટો રાજકીય સંદેશ આપવા માંગે છે. આ સાથે ભાજપની રાજકીય પીચ પણ તૈયાર થશે.
​​​​​​​
જે લોકો આ કાયદાનો વિરોધ કરે છે તેઓ કહે છે કે તે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરશે અને વ્યક્તિગત કાયદા દરેક ધાર્મિક સમુદાયના વિવેક પર છોડવા જોઈએ.
ભારતમાં સમાન ધારાનો સૌથી ઉગ્ર અને બોલકો વિરોધ કરનાર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે. તે એવું માને છે કે સમાન નાગરિક ધારો એ ખરેખર તો પાછલા બારણે દરેક નાગરિકો પર ફરજિયાત હિન્દુ કાનૂનો લાગુ કરવાની પેરવી છે. મુસ્લિમો પોતાના પવિત્ર કુર્રાનમાં શરિયતના આદેશો છે તેને જ મુસ્લિમોની અંગત જિંદગી માટેના કાનૂન માને છે. શરિયત મુજબ મુસ્લિમોને ત્રણ શાદીની છૂટ છે. પરિવાર નિયોજનનું બંધન નથી. છૂટાછેડા માટે કોર્ટનો આદેશ માનવાની આવશ્યકતા નથી. સંપત્તિની વહેંચણી માટે પણ તેમને દેશના કાનૂનને બદલે શરિયતના કાનૂનને અનુસરવાની છૂટ છે. સમાન નાગરિક ધારો લાગુ થાય તો શરિયતના કાનૂન ખતમ થઈ જાય અને મુસ્લિમોને પણ એક જ લગ્ન, સંતતિ નિયમનના સંભવિત કાયદાઓ, સંતાનોમાં મિલકતની સમાન વહેંચણી સહિતના કાયદાઓ પાળવા પડે, જેનો મુસ્લિમ પર્સનલ લો બોર્ડને વાંધો છે.
સમાન ધારો લાગુ થાય તો મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જરૂર જ ન રહે. એટલે મુસ્લિમ સમુદાય પર ઈસ્લામિક ધાર્મિક સંસ્થાઓનો પ્રભાવ પણ ખતમ થઈ જાય. આવી સ્થિતિમાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે તે સ્વાભાવિક છે જોકે હિંદુ સમુદાય આ કાયદાની ફેવર પણ કરે છે અને તેથી જ ભાજપ હવે જોરશોરથી આ મુદ્દો ઉઠાવશે. આના દ્વારા પાર્ટીને પાંચ વિધાનસભાની ચૂંટણીમાં પણ ફાયદો થવાની આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application