ભવનાથ ખાતે મહાશિવરાત્રિના પાવન મેળામાં ભક્તિ અને ભજનનો માહોલ વચ્ચે અચાનક હિંસક બનાવ સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. 12 ફેબ્રુઆરીની રાત્રે દત્ત ચોક વિસ્તારમાં એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈ હાથમાં ખુલ્લી તલવાર લઈને નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડધામ શરૂ કરી હતી. સાધુના આ રૌદ્ર સ્વરૂપને જોઈ યાત્રિકોમાં ભારે ભય ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ દોડતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાધુએ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર લોકો સાથે પણ મારપીટ કરી હતી. માત્ર તલવારથી જ નહીં, પરંતુ પોતાની સાથે રહેલા કપિરાજને પણ લોકો પર છોડતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હોવાના અહેવાલ છે. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં અચાનક સર્જાયેલી આ ઘટનાએ મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણને ભંગ કરી નાખ્યું હતું.
મેળામાં હાજર સ્થાનિકો તેમજ દૂર દૂરથી આવેલા યાત્રિકોમાં આ વર્તન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાના વીડિયો પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લીધો અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે સાધુ માનસિક અસંતુલિત સ્થિતિમાં હોઈ શકે છે, જોકે હકિકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે જેથી આવી ઘટના ફરી ન બને. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.