રાજ્યભરના ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની જમીન પચાવી લેનાર કુખ્યાત અલ્પેશ દોંગા સમે કાનૂની સંકજો વધુ મજબૂત બનાવવા માટે ક્રાઇમ બ્રાંચે આરોપીના નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખી હતી. જેથી પોલીસ હવે અલ્પેશને કૌભાંડ આચરવામાં કોન મદદગારી કરતું હતું? અલ્પેશે કૌભાંડ આચરી મેળવેલા નાણાંનું કયાં રોકાણ કર્યું સહિતની બાબતો અંગે ઉંડાણપૂર્વક તપાસ કરાશે.
કૌભાંડ અંગે તપાસ ચલાવી રહેલા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સી.બી.જાડેજા અને તેમની ટીમ હવે અલ્પેશ દોંગાને લઈને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે ધામા નાખશે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ બંને મહત્વના ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસને આશા છે કે આ ટેસ્ટના પરિણામોથી ગુનાખોરીના આખા નેટવર્કનો પર્દાફાશ થશે.
ભૂ-માફિયા અલ્પેશ દોંગા અને તેની ગેંગનો શિકાર બનેલા અસંખ્ય લોકો લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. ડર અને ધાકધમકીના કારણે ઘણા લોકો સામે આવતા અચકાતા હતા. પરંતુ હવે પોલીસની કડક કાર્યવાહી અને અદાલત દ્વારા વૈજ્ઞાનિક ટેસ્ટની મંજૂરી મળતા ભોગ બનનારાઓમાં ન્યાય મળવાની નવી આશાનો સંચાર થયો છે.
અલ્પેશ દોંગા વિરુદ્ધ અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ટીમે કરી છે. જેમાં અનેક ગુના દાખલ કરી સીટની રચના કરી ૧૦૦ કરોડની ૫૦૦ વિઘા જેટલી જમીન ખેડૂતોને પરત કરાવી હતી. જે બાદ જામનગર પંથકના ખેડૂતો પણ અલ્પેશનો ભોગ બન્યાનું સામે આવતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા બીજી સીટની રચના કરી હતી.