મોરબી દુષ્કર્મ કેસમાં કેન્દ્રીય મહિલા આયોગની એન્ટ્રી થઈ છે રાજ્ય સરકાર સમક્ષ એક સપ્તાહમાં જવાબ આપવા કડક નિર્દેશ આપતા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. ગુજરાત રાજ્યના પોલીસવડા અને મુખ્ય સચિવને એક સપ્તાહ ની અંદર આ મામલે રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.
મોરબીના શહેરી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક, હૃદયદ્રાવક અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જે પિતા પોતાની દીકરીની સુરક્ષા માટે ઢાલ સમાન ગણાય છે, તે જ પિતા પોતાની સગીર દીકરીનો સોદાગર બન્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મકાનનું ભાડું ચૂકવવાના બદલે પિતાએ પોતાની જ પત્ની અને સગીર દીકરીને મકાન માલિકના હવાલે કરી દીધી હતી. આ નરાધમ મકાન માલિકે માતા અને દીકરી બંને સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
શરૂઆતમાં આ મામલો માત્ર મકાન માલિકની હેવાનિયત સુધી સીમિત હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જ્યારે આરોપી મકાન માલિકની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી, ત્યારે સમગ્ર કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે, સગીરાના પિતાએ જ ભાડાના બદલામાં મકાન માલિકને પોતાની દીકરી અને પત્ની સાથે કુકર્મ કરવાની મંજૂરી આપી હતી. મકાન માલિક સગીરાના ભોળપણ અને નાની ઉંમરનો લાભ ઉઠાવી લાંબા સમયથી તેનું યૌન શોષણ કરતો હતો અને તેને સતત ડર તથા દબાણ હેઠળ રાખતો હતો.
પરિવારે હિંમત દાખવી ન્યાય માંગ્યો
જ્યારે આ સમગ્ર કાળા સચ્ચાઈની જાણ પરિવારના અન્ય સભ્યોને થઈ, ત્યારે તેઓએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી નરાધમ મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજના પવિત્ર સંબંધો સામે મોટા સવાલો ઉભા કરી દીધા છે.
આ ગંભીર અને અરેરાટીભરી ઘટનાની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા લેવામાં આવી છે. મહિલા આયોગે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસે તાત્કાલિક અહેવાલ માંગ્યો છે. આયોગ દ્વારા સમગ્ર ઘટના અંગે વિગતવાર ખુલાસો રજૂ કરવા અને એક સપ્તાહની અંદર આ અંગેનો જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.